જૂનાગઢ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટની અંધ દીકરીઓ એ પ્રાચીન રાસ ગરબા હરિફાઈમાં પુર્વ તૈયારી અને આત્મવિશ્વાસના સહારે રાજ્ય કક્ષાએ સંસ્થાનું નામ રોશન કર્યું છે. ઓલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ રાસ ગરબા હરિફાઈ ભુજ મુકામે તા.૭-૧૦-૨૩ના રોજ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ભુજ બ્રાન્ચ દ્વારા રાસ ગરબાની હરિફાઈનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી જુદી જુદી ૨૬ જેટલી સંસ્થાઓની અંધ કન્યાઓએ આ રાસ-ગરબાની હરિફાઈમાં ભાગ લીધેલ હતો. જે એક પડકાર હતો, જેમાં પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢની અંધ કન્યાઓનો પ્રાચીન ગરબામાં પ્રથમ નંબર આવતા ભુજ સંસ્થા દ્વારા ભવ્ય સન્માન રોકડ પુરસ્કાર, ટ્રોફી અને સર્ટીફીકેટ આપી કરવામાં આવ્યું હતું. આવી ઝળહળતી સફળતા અપાવવા બદલ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા દ્વારા ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી. આ રાસની તૈયારી દરેક દીકરીઓ જાતે મળીને ખુબ જ ખંત-આત્મ વિશ્ચાસ સાથે એક મહિનાથી તૈયારી કરતી હતી. જેમાં તાલની સંગત કરવા માટે તેજસભાઈ ટાંક, હાર્મોનિયમ ઉપર સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથી તેમજ ગાયક તરીકે ચાવડા આશાબેન તેમજ રેખાબેન બોખાણી દ્વારા ખુબ જ સુરીલા અને મીઠા મધુરા અવાજથી ભુજનો ટાઉનહોલ ગુંજવી નાખ્યો હતો અને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ સાથે ખુબ જ હર્ષઉલ્લાસ સાથે મંત્રમુગ્ધ થઈને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ રાસ ગરબા હરીફાઈમાં ભુજ લઈ જવા માટે સંસ્થાના ટ્રસ્ટી શાંતાબેન બેસ, સંતોષબેન મુદ્રા તેમજ સાથી સહાયક તરીકે પાયલ મેઘનાથી, હેતવી બેસ, જનકબેન વાઘેલા, મનોજભાઇ જાેષી વગેરે દ્વારા સહકાર મળ્યો હતો. તેમજ સંસ્થાના પ્રમુખ અને તમામ ટ્રસ્ટીઓ દ્વારા હજુ પણ આ દીકરીઓ પોતાનું ઉચેરૂ સ્થાન સર કરે, પોતાનું અને સંસ્થાનું નામ રોશન કરે સાથે સાથે રાજ્યકક્ષાએ પ્રાચીન ગરબામાં ઝળહળતું નામ રોશન કરવા બદલ તમામ ટ્રસ્ટીઓ શુભકામના સાથે અભિનંદન પાઠવે છે.