ખંભાળિયા તાલુકાના સંલગ્ન ૮૫ જેટલા ગામડાઓમાં મહદ અંશે ખેત વ્યવસાયને પ્રાધાન્ય છે. અહીંનો ખેડૂત જાે વધુ સમૃદ્ધ બને તો ખંભાળિયા સહિત જિલ્લાનો વિકાસ ઉડીને આંખે વળગે. ત્યારે ખંભાળિયા તાલુકાના આશરે ૨૦ થી ૨૫ જેટલા ગામોમાં સિંચાઈ, ખેતીને લાભ મળે તે માટે ખંભાળિયાના ભાડથરી ડેમમાં નર્મદાનું પાણી છોડવા માટે અહીંના જાણીતા શિક્ષણવિદ તથા તબીબ અને મહિલા આગેવાન દ્વારા સિંચાઈ મંત્રી તેમજ કેબિનેટ મંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
રાજ્યની જીવા દેવી એવી નર્મદા નદીના નિર ખંભાળિયાના ઘી ડેમ સુધી પહોંચી ગયા છે. ત્યારે ખંભાળિયા તાલુકામાં આવેલા ભાડથરી ડેમના પાણી તાલુકાના અનેક ગામો સુધી પહોંચે છે. હાલ તાલુકાના લલીયા ગામ પાસેથી વિંજલપર ગામ સુધી નર્મદા નદીનું પાણી આવે છે. લલીયા ગામેથી જાે ભીંડા ગામ સુધી પાઈપલાઈન દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે અને ત્યાંથી ભાડથર વાળી નદીમાં આ પાણી છોડવામાં આવે તો આ પાણી ભાડથરી ડેમમાં થઈ અને જિલ્લાના સૌથી મોટા એવા સાની ડેમ સુધી પહોંચી શકે.
લલીયાથી ભીંડા ગામ સુધી આશરે ચારથી પાંચ કિલોમીટર જેટલી જ પાઇપલાઇન હાલ જરૂરી છે. જાે આ રીતે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો આજુબાજુના ૨૦ થી ૨૫ જેટલા ગામોને સિંચાઈનો મોટો લાભ મળે અને આ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ આવી જાય.
ઉપરોક્ત મુદ્દે ખંભાળિયાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમજ જાણીતા તબીબ ડોક્ટર પી.વી. કંડોરીયા અને જિલ્લા ભાજપ મંત્રી શ્રીમતી માલતીબેન પરબતભાઈ કંડોરીયા દ્વારા રાજ્યના સિંચાઈ મંત્રી મુકેશ પટેલ તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને એક લેખિત પત્ર પાઠવી ખંભાળિયા તાલુકાના ભાડથરી ડેમમાં નર્મદાનું પાણી છોડવાથી ભીંડા, ભાણવારી, બેરાજા, ભાડથર, શેઢા ભાડથર, કેશોદ, રાજપરા ,લાંબા, સૂર્યવદર, લાંબા, લાલપરડા, ઠાકર શેરડી, કાનપર શેરડી, દુધિયા, ચપ્પર વિગેરે ગામોને સિંચાઈનો લાભ મળે અને ખેડૂતો વધુ સધ્ધર થાય તે બાબતે માહિતગાર કરી, આ મુદ્દે તાકીદે યોગ્ય કરવા રજૂઆત કરી છે.
આ પત્રની નકલ અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા હાલારના સાંસદ પૂનમબેન માડમને પણ મોકલવામાં આવી છે.