ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ ગાંધીનગર ખાતે સંપન્ન

0

SECI દ્વારા ગુજરાતમાં ઓક્ટોબર-૨૦૨૪ સુધીમાં સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કરાશે : સોલાર પાવર પ્લાન્ટની સ્થાપનાથી રાજ્યમાં રૂ.૩૫૦૦ કરોડના રોકાણની સંભાવના : ગુજરાત સરકાર આગામી ૨૫ વર્ષ સુધી માત્ર રૂ. ૨.૫૭ પ્રતિ યુનિટના દરે SECI પાસેથી ૭૦૦ મેગાવોટ વીજળી પ્રાપ્ત કરશે

ગાંધીનગર ખાતે ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. (GUVNL)
દ્વારા આગામી ૨૫ વર્ષ સુધી માત્ર રૂ. ૨.૫૭ પ્રતિ યુનિટના દરે ૭૦૦ મેગાવોટ વીજળી પ્રાપ્ત કરવા માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ
ઈન્ડિયા (SECI) સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ (PUA) સાઈન કરવામાં આવ્યુ હતું. આ એગ્રીમેન્ટ અંતર્ગત ગુજરાતમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જે આગામી ઓક્ટોબર-૨૦૨૪ સુધીમાં કાર્યરત થશે. આ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાતમાં આશરે રૂ.૩૫૦૦ કરોડનું રોકાણ આવવાનું અનુમાન છે. ગુજરાતના રીન્યુએબલ એનર્જી ક્ષેત્ર માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. કારણ કે, GUVNL દ્વારા આ પ્રોજેક્ટ થકી અત્યારસુધીની સૌથી વધારે ક્ષમતા ધરાવતા ૭૦૦ મેગાવોટ જેટલી વીજ ખરીદી માટેનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્પન્ન થતી સૌર ઊર્જા રાજ્ય સરકારને પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેકટ માટે કેન્દ્ર સરકાર દ્વારા વાયેબીલીટી ગેપ ફંડિંગ (VGF) થકી સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં ૭૦૦ મેગાવોટ ઊર્જાના ઉમેરા સાથે રાજ્યમાં સૌર ઊર્જા ઉત્પાદનમાં એકંદરે વધારો થશે, અને પરિણામે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાની સુવિધા વધુ સઘન બનશે. ગુજરાતમાં કેન્દ્ર સરકારના ન્યૂ એન્ડ રીન્યુએબલ એનર્જી ડીપાર્ટમેન્ટની “સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ(CPSU)” સ્કીમના બીજા તબક્કાના ટ્રેન્ચ-૩ અંતર્ગત SECI દ્વારા આ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. સ્થાનિક રીતે ઉત્પાદિત સોલર પીવી સેલ અને મોડ્યુલોના ઉપયોગ થકી રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષા અને પર્યાવરણીય સસ્ટેનેબીલીટીની સુવિધામાં વધારો કરવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પાવર યુસેજ એગ્રીમેન્ટ પર રાજ્ય સરકાર તરફથી GUVNLના જનરલ મેનેજર (રિન્યુબલ એનર્જી) તેમજ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી SECIના જનરલ મેનેજર (પાવર ટ્રેડિંગ) દ્વારા સાઇન કરવામાં આવી હતી.

error: Content is protected !!