ગૃહ રાજયમંત્રીના ગરબીની ગાઈડલાઈન અંગેના નિવેદનનું થતું ખોટું અર્થઘટન : જૂનાગઢમાં રાત્રીના મોડે સુધી ધ્વની પ્રદુષણ ફેલવનારાઓ સામે કડક પગલા ભરવા માંગ

0

શહેરના વિવિધ વિસ્તારોમાં મોડે સુધી ફેલાવાતા આ પ્રદુષણને નાથવા માટે કડક કાર્યવાહીની જરૂર : પ્રજાનો મત

જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઘણા લાંબા સમયથી જાહેર માર્ગો ઉપર આવેલી કેટલીક દુકાનો, લારી-ગલ્લાવાળાઓ તેમજ ખાણીપીણીના સ્ટોલો ધરાવતા લોકો દ્વારા બેફામ રીતે ધ્વની પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. પોલીસ તંત્રની ગાડીઓ જે માર્ગો ઉપરથી પસાર થાય ત્યારે થોડો સમય આવું ધ્વનીપ્રદુષણ બંધ રહે છે અને ફરી પાછા ફુલ વોલ્યુમ સાથે સાઉન્ડ સિસ્ટમ ધમધમી રહી છે અને જાણે કોઈ કહેવાવાળું ન હોય તેવું લાગી રહ્યું છે. દરમ્યાન હાલ નવરાત્રી મહોત્સવ હાલ શાંતીપુર્ણ રીતે ઉજવાઈ રહેલ છે. એ દરમ્યાન શાંતીમાં મુશ્કેલી સર્જાય તેવો બનાવ બનેલ છે. ગુજરાત રાજયના ગૃહમંત્રીએ એવું નિવેદન જારી કરેલ છે કે, રાત્રીના ૧ર વાગ્યા પછી પણ ગરબી ચાલું રહેશે તેવા કરાયેલા નિવેદનની વિપરીત અસર થઈ રહી છે. ગઈકાલે જૂનાગઢ શહેરમાં વિવિધ ચોકો, માર્ગો, ખાસ કરીને કાળવા ચોક, કોલેજ રોડ, ભૂતનાથ માર્ગ, મોતીબાગ વિસ્તાર, ટીંબાવાડી રોડ, ઝાંઝરડા રોડ, એમજી રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનો તેમજ કેટલાક ખાણીપીણીના સ્ટોલોમાં પણ મોડે સુધી સાઉન્ડ સિસ્ટમ ધમધમી હતી અને આવું તો લગભગ કાયમી થતું હોય છે ત્યારે જૂનાગઢના પોલીસ તંત્ર દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ આમ જનતાની માંગણી રહેલી છે.
ગુજરાત રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાત્રીના ૧ર વાગ્યા પછી ગરબી ચાલું રહેશે તેવા કરેલા નિવેદનને પગલે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ગઈકાલે રાત્રીના ધ્વનીપ્રદુષણ ફેલાવનારાઓ બેફામ બન્યા હતા અને મોડે સુધી સાઉન્ડ સિસ્ટમ ધમધમતા હતા તેવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ગૃહ રાજય મંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદનનું અર્થઘટન જુદી રીતે થઈ રહ્યો હોવાનો મત પ્રવર્તી રહ્યો છે અને કાનુની નિષ્ણાંતો દ્વારા ગૃહ રાજયમંત્રીના આ નિવેદન સામે પોતાનો આક્રોશ પણ વ્યકત કરવામાં આવ્યો છે.
તા.૧પ ઓકટોબરથી નવરાત્રી મહોત્સવની ઉજવણી સમગ્ર સૌરાષ્ટ્રમાં કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત કાયદેસર રીતે રાત્રીના ૧ર વાગ્યા સુધી જ સાઉન્ડ સિસ્ટમની પરમીટ હોય છે અને નામદાર સર્વોચ્ચ અદાલત અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા માઈક વગાડવા બાબતે જે ગાઈડ લાઈન જાહેર થયેલી છે જેમાં સામાન્ય દિવસોમાં રાતના ૧૦ વાગ્યા સુધી જ માઈક વગાડી શકાય છે અથવા તો સાઉન્ડ સિસ્ટમ વગાડી શકાય છે. જયારે નવરાત્રીના દિવસોમાં રાતના ૧ર વાગ્યા સુધી જ માઈકનો ઉપયોગ થતો હોય છે અને તે અનુસાર પ્રશાસન તંત્ર આ નિયમોનું ઉલ્લઘંન કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરતું હોય છે. દરમ્યાન ગઈકાલે રાજયના ગૃહમંત્રીએ એક સ્ફોટક નિવેદન જારી કરી અને રાત્રીના ૧ર વાગ્યા પછી પણ ગરબી ચાલું રહેશે તે પ્રકારનું નિવેદન આપ્યું છે આ નિવેદનના ઘેરાપ્રત્યાઘાત પડયા છે. નામદાર સર્વોચ્ચ અદાલત અને ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશનો અનાદર છે અને કટેમ્પટ ઓફ ધી કોર્ટ ગણાવી શકાય છે. ગઈકાલે આ નિવેદનના પગલે ખુબ જ ગંભીર અસર થઈ હતી. સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં મોડે સુધી સાઉન્ડ સિસ્ટમ અને માઈક સિસ્ટમથી ધ્વનીનું પ્રદુષણ ફેલાવવામાં આવ્યું હતું અને આ અંગેની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી પરંતુ ગૃહ રાજયમંત્રીએ કરેલા નિવેદનના કારણે પ્રશાસન તંત્ર પણ કોઈ કામગીરી કરી શકે તેવી સ્થિતીમાં ન હતા. દરમ્યાન ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી એ જે નિવેદન આપ્યું છે તેનું અર્થઘટન જુદી રીતે થઈ રહ્યું હોવાનો મત પણ પ્રવર્તી રહ્યો છે. જૂનાગઢના કાનુની નિષ્ણાંત કિરીટભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ગૃહ રાજયમંત્રીનું આ નિવેદન કે જેમાં માઈક સાથે ૧ર વાગ્યા પછી ગરબી ચાલું રાખવામાં આવે તો કટેમ્પટ ઓફ ધી કોર્ટ છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, ગરબી આખી રાત લેવા સામે કોઈને વાંધી નથી પરંતુ નોઈસ પ્લોયુશન એકટ નીચેના કાયદાનો ભંગ થાય છે એટલે માઈક રાત્રીના ૧ર વાગ્યા પછી ચાલું રાખી શકાતું નથી અને જાે ચાલું રાખવામાં આવે તો નામદાર અદાલતનો અનાદર થયો એમ કહી શકાય. સાઉન્ડ સિસ્ટમ વગર ગરબી આખી રાત લેવા સામે વાંધો પણ નથી. ગૃહ રાજયમંત્રીએ પોતાના નિવેદનમાં સાઉન્ડ સિસ્ટમ વગર ગરબી લઈ શકાય છે તેવા શબ્દો વાપર્યા હોવાનું કહી શકાય છે. વિશેષમાં ગૃહ રાજયમંત્રીના આ નિવેદનને પગલે લોકોમાંથી પણ આક્રોશ જાેવા મળી રહ્યો છે તો બીજી તરફ આ ગૃહ રાજયમંત્રીના નિવેદનનું મનફાવે તે રીતે અર્થઘટન કરી મોડી રાત્રી સુધી સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં માઈકો અને સાઉન્ડ સિસ્ટમો ધમધમ્યા હતા.

error: Content is protected !!