જૂનાગઢમાં ઝાંઝરડા રોડ, શાંતેશ્વર અને રાજકોટ રોડ ઉપર દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ

0

જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ખાસ ડ્રાઈવ યોજી અને પાડયા દરોડા : મહિલા સહિત બેની અટક

જૂનાગઢ શહેરમાં દેહ વ્યાપાર તેમજ કુટણખાનું ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે એક જ દિવસમાં ત્રણ જગ્યાએથી પોલીસે દરોડા પાડી અને કુટણખાનાનો પર્દાફાશ કરતા ચકચાર જાગી ઉઠી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢ શહેરમાં એક જ દિવસમાં દેહ વ્યાપારના ૩ ધંધાનો પર્દાફાશ થયો છે. પોલીસે શાંતેશ્વરમાંથી ૧, ઝાંઝરડા રોડ વિસ્તારમાંંથી ૨ અને રાજકોટ રોડ ઉપર મહિલા સહિત ૨ની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં જ ગોરખધંધા પકડાતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી વિગત મુજબ દેહ વ્યાપારની પ્રવૃત્તિને રોકવા માટે એસપી હર્ષદ મહેતા દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં એલસીબી પીઆઈ જે.જે. પટેલ અને તેના સ્ટાફે શાંતેશ્વર રોડ વિસ્તારમાં આવેલ બંધ પડેલા શ્રીજીવંદના એપાર્ટમેન્ટમાં દરોડો પાડયો હતો. જેમાં પહેલા માળે ડમી ગ્રાહક મોકલીને દેહ વ્યાપારનો ગોરખધંધો પકડી પાડયો હતો. અત્રેથી રાહુલ રામપ્રસાદ રાવ નામના એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. જયારે સંચાલક રવિ રાખસીયા, રૂપા વિરેન્દ્ર રાવ અને રોહિત કવા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જયારે બી ડીવીઝન પીઆઈ એન.એ. શાહ અને સ્ટાફે ઝાંઝરડા રોડ ઉપર આવેલ રાધેશ્યામ એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી અને ગ્રાઉન્ડ ફલોર ઉપર ચાલતો ગોરખ ધંધો પકડી પાડી અશોક ગીગાભાઈ ભાદરકા અને નૈમિષ બાબરીયાની અટક કરી સ્નેહા કમલેશ સોઢાતર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ મકાન ભાડે રાખીને દેહ વ્યાપાર કરતી સ્ત્રીઓને રાખી બહારથી ગ્રાહકો બોલાવીને કુટણખાનું ચલાવતા હતા. સીપીઆઈ આર.એમ. વસાવા તેમજ પીએસઆઈ જે.ડી. દેશાઈ વગેરેએ જૂનાગઢમાં રાજકોટ રોડ ઉપર કારના શોરૂમ સામે અનૈતિક વ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. અહીંથી સૂર્યાબેન ઉર્ફે રાધા અરવિંદ પરમાર અને અરવિંદ જીવા પઢીયારની અટકાયત કરી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ત્રણ દરોડોમાં કુલ ૬ મહિલાઓ મુકત કરાવી તેમને સાક્ષી બનાવવામાં આવી છે.
જૂનાગઢ પોલીસે શહેરના ૩ વિસ્તારોમાંથી દેહ વ્યાપારના કાળા કરતૂતોનો પર્દાફાશ કરતા શહેરભરમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ખાસ કરીને મેગા સિટીમાં થતી અનૈતિક પ્રવૃતિનો પગપેસારો જૂનાગઢની ધાર્મિક નગરી સુધી પહોંચી જતા સનસનાટી મચી જવા પામી છે. હાલ નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે તેવા સમયે જ આ ધંધાનું ખુલવા પામતા શહેરના સુજ્ઞ નાગરિકોમાં આચકો લાગ્યો છે. જાેવાની ખુબી એ છે કે, આ અનૈતિક વ્યાપરનો કારોબાર છેલ્લા પાંચ મહિના કરતા પણ વધુ સમયથી ચાલતો હતો. જાેકે પોલીસે બાતમીના આધારે દરોડા પાડી આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે હવે આ ધંધામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? તે અંગે પણ તપાસ હાથ ધરી આવા આરોપીઓને પણ ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!