જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ બઘડાટીનું મેદાન બન્યું : શાસકો સામે ભાજપના કોર્પોરેટરનો તીવ્ર આક્રોશ

0

ગેરકાયદેસર બાંધકામોને બચાવવા માટે એસટીપીએ નદીને વોકળો દર્શાવી દીધો હોવાના આક્ષેપો

જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની એક બેઠક ગઈકાલે યોજવામાં આવી હતી. આ બેઠક યોજાઈ તે પહેલા જ ધમાચકડી ચોક્કસ થશે તેવા આસાર જણાતા હતા અને થયું પણ એમ જ. ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં મનપાના શાસકોને ભાજપના જ કોર્પોરેટરોએ આડેહાથ લીધા હતા. એટલું જ નહી કોર્પોરેટર લલીત પણસારાએ ગંભીર પ્રકારના આક્ષેપો પણ કર્યા હતા અને આ રીતે બોર્ડમાં ગરમાગરમીનું વાતાવરણ રહ્યું હતું.
ગઈકાલે જૂનાગઢ મનપાનું બોર્ડની બેઠક રાખવામાં આવી હતી જેમાં અનેક મુદ્દે ચર્ચાઓ થઈ હતી. ખાસ કરીને જેમાં ગેરકાયદેસર દબાણો, વોકળાના પ્રશ્નો, ચાર-ચાર વર્ષથી ઓવરબ્રિજની વાતો થાય છે તે અંગે આક્રોશ તેમજ આવા ગેરકાયદેસર દબાણો કોણ દુર કરશે ? તેવા સળગતા સવાલો પણ પુછાયા હતા. કોર્પોરેટર લલીત પણસારાએ એસટીપી બિપીન ગામીતને દબાણની વ્યાખ્યા અંગેનો પ્રશ્ન પુછયો હતો અને બિપીન ગામીતે જણાવ્યું હતું કે ર૦૧૭ના(૧૭)(૭)ની કલમ મુજબ નદીથી બંને બાજુ ૩૦ મીટર અને વોકળાથી બંને બાજુ ૯ મીટર જગ્યા છોડીને બાંધકામ કરવાનું હોય છે. જાે તેની અંદર બાંધકામ થાય તો તે ગેરકાયદેસર ગણાય અને જુના રેકોર્ડ મુજબ કાળવો નદી નથી વોકળો છે અને વોકળા દબાણ અંગે ૧૧૧ને નોટિસ અપાઈ છે. જેમાંથી ૪રએ જવાબ આપ્યો છે. આ ઉપરાંત વધુ ૧૦૮ને પણ નોટિસ આપવામાં આવી છે. કોર્પોરેટર લલીત પણસારાએ જણાવ્યું હતું કે, વોકળા કાંઠે થયેલા ગેરકાયદેસર દબાણોને બચાવવા એસટીપીએ નદીને વોકળો દર્શાવી દીધો છે. આ ઉપરાંત ભાજનપના શાસનમાં ચાર કોર્પોરેટરોએ વિવિધ મુદ્દે ફરિયાદો રજુ કરી હતી તો બીજી તરફ ટીંબાવાડીની સર્વે નંબર ૧૧૬ની જમીન કે જેના ઉપર હાલ મોતી પેલેસ બિલ્ડીંગ ઉભું છે તેના માટે જે તે સમયે હરરાજી થતા ૮૪ લાખ રૂપીયા ઉપજયા હતા અને હવે આ રૂપીયા કલેકટરને ભરવાનો ઠરાવ કર્યો છે. અમે પૈસા ભરવાની ના નથી કે વિરોધ નથી પરંતુ અમે આ માટે કયાય જવાબદાર નથી. કારણે આ ઠરાવ જે તે બોડીએ કર્યો હોય તે જવાબદાર છે તેવું શાસક પક્ષના કોર્પોરેટરે જણાવ્યું હતું. વિશેષમાં છેલ્લા ચાર વર્ષથી ઓવરબ્રિજ માટે વાતો થાય છે પરંતુ નક્કર કાર્યવાહી થતી નથી. આમ અનેક મુદ્દે તીવ્ર આક્રોશ પણ વ્યકત થયો હતો.

error: Content is protected !!