ખંભાળિયામાં રસ્તે રઝળતી ગાયોને પાંજરાપોળ સાચવશે

0

ખંભાળિયા શહેરમાં ઘણા વર્ષોથી રસ્તે રઝળતા ગૌવંશનો ત્રાસ નગરજનોને પરેશાન કરે છે. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરની જહેમતથી પ્રાથમિક તબક્કે ૫૦ ગાયને અહીંની રામનાથ પાંજરાપોળ સંભાળશે તેવી સંમતિ સાંપળી છે.ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગાય, બળદના ડેરા તંબુથી ખાસ કરીને વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા સમયમાં અનેક લોકો આવા રઝળતા ગૌવંશની ઢિંકે ચઢતા ખાટલો ભોગવવાનો વારો આવ્યો હતો. આખલાઓના મલ્લ યુદ્ધથી વાહનોનો પણ ખો નીકળ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં ઘણા સમયથી ટલ્લે ચડતો રસ્તે રઝળતા ઢોરને ડબ્બે પૂરવાનો પ્રશ્ન હવે મહદ અંશે ઉકેલાય તેવી આશા જાેવા મળી રહી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ દ્વારા આ મુદ્દે સ્થાનિક પાંજરાપોળના સંચાલકો સાથે ગંભીરતાપૂર્વક ચર્ચા-વિચારણા બાદ અત્રે રામનાથ સોસાયટીમાં આવેલી શેઠ હરજીવનદાસ નરોત્તમદાસ પાંજરાપોળ ટ્રસ્ટના સંચાલકો તથા ટ્રસ્ટીઓની સંમતિથી આ પાંજરાપોળ શહેરની ૫૦ ગાયોને સાચવવા તથા નિભાવવા માટે સંમત થઈ છે. હવે નગરપાલિકા તંત્ર દ્વારા ગાયોને પકડીને આ પાંજરાપોળમાં મૂકવામાં આવશે.આટલું જ નહીં, અહીંની અન્ય પાંજરાપોળ સાથે પણ વિચાર વિમર્શ તેમજ વાટાઘાટ કરીને વધુ ગૌવંશ પાંજરાપોળ ખાતે મોકલાવી આપવામાં આવે તે મુદ્દે પણ કામગીરી ચાલી રહી હોવાનું ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ દ્વારા જણાવાયું છે.આમ, રસ્તે રઝળતી ગાયોથી નગરજનોને મુક્તિ મળશે તેવી સંભાવનાઓ જાેવા મળી રહી છે. સાથે સાથે પાલિકા તંત્રની આ કામગીરી લોકો માટે રાહત રૂપ બની રહી છે.

error: Content is protected !!