ખંભાળિયાના પાદરમાંથી પસાર થતી ઘી નદી કે જે અનેક બોર-કુવાને રિચાર્જ રાખે છે. આ નદીમાં જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેમ છેલ્લા કેટલાક વર્ષોથી આ નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ જાય છે. જેના પરિણામે આ નદી ગંદકીનું ઘર બની ગઈ છે. ત્યારે આ નદીમાંથી ગાંડીવેલને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા વધુ એક વખત આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ખંભાળિયાના રામનાથ વિસ્તારમાંથી પસાર થતી ઘી નદી અગાઉના સમયમાં ખૂબ જ રળિયામણી અને નયનરમ્ય બની રહી હતી. ત્યારે આ નદીમાં ચોક્કસ સોસાયટીઓનું ગટરનું પાણી ભળતા હવે આ નદીમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી વ્યાપક પ્રમાણમાં ગાંડીવેલ ઊગી નીકળે છે.આ ગાંડીવેલના કારણે ખૂબ જ દુર્ગંધ તથા માખી, મચ્છરના ઉપદ્રવથી આ વિસ્તારના રહીશો ગળે આવી ગયા છે. આટલું જ નહીં, ચોમાસા બાદ પણ મહિનાઓ સુધી ભરેલું રહેતું આ નદીનું પાણી તળિયા ઝાટક બની રહે છે. આથી નગરપાલિકા દ્વારા ઘી નદી ઉપરાંત મહાપ્રભુજીની બેઠક પાસેથી સુખનાથ તરફ જતી તેલી નદીમાં ઉગતી ગાંડીવેલ સાફ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે પાલિકા તંત્ર દ્વારા ટેન્ડરિંગ કાર્યવાહી પણ કરવામાં આવી છે.
આ મુજબ બંને નદીઓમાંથી ગાંડીવેલ કાઢીને વાહનમાં ભરીને નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ સુધી પહોંચાડવા તથા બંને નદીઓ ચોખ્ખી કરવાનું આયોજન કરાયું છે. ગત વર્ષે પણ નગરપાલિકા તંત્ર દ્વારા ઘી નદીમાંથી ગાંડીવેલ દૂર કરવા માટે રૂપિયા ત્રણ લાખનો ખર્ચ કર્યો હતો. પરંતુ થોડા સમયમાં પરિસ્થિતિ જૈસે થે જેવી બની ગઈ છે અને નદીમાં ગટરનું પ્રદૂષિત પાણી ભરાતા પુનઃ ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
આ નદીમાં ભળતું ગટરનું પ્રદૂષિત પાણી દૂર કરવા સાથે ગાંડીવેલના પ્રશ્નનું કાયમી નિવારણ આવે તેમ સુજ્ઞ નગરજનો ઈચ્છી રહ્યા છે.