જૂનાગઢ જેલના જેલરની ઓળખ આપી રૂપિયા ૨૪,૦૦૦ની છેતરપિંડી કરવા અંગે ફરિયાદ

0

વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહેતા અને જૂનાગઢ ખાતે અભ્યાસ કરતા ઉત્તમભાઈ ચેતનભાઇ દુધાત(ઉ.વ.૧૮)ને તેના પિતાને જેલમાં મુલાકાતના દિવસે મળવા માટે અજાણ્યા શખ્સે જૂનાગઢ જેલના જેલરની ખોટી ઓળખ આપી અને એડવાન્સ ફી ભરવાનું કહી રૂપિયા ૨૪,૦૦૦ની છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો. ૭ એપ્રિલના રોજ યુવાનના પિતા ચેતનભાઇ જમનભાઈ અને જયદીપ દિલીપભાઈ લાખાણીને બળાત્કારના ગુનામાં બંનેને વિસાવદર કોર્ટે જૂનાગઢ જિલ્લા ખાતે ટ્રાન્સફર કરવાનો હુકમ કરતા વિસાવદર પોલીસ બંનેને જૂનાગઢ જેલમાં મુકવા માટે રવાના થયેલ તે દરમ્યાન યુવક ઉતમ દુધાતના માતાના મોબાઈલ ઉપર અજાણ્યા મોબાઈલ નંબર ૭૮૦૨૮ ૮૯૦૧૦ ઉપરથી ફોન આવતા યુવાને ફોન રીસીવ કરતાં અજાણ્યા ઈસમે હું જુનાગઢ જેલમાંથી જેલર વાળા સાહેબ બોલું છું, તહોમતદારને સરકારના નિયમ મુજબ જેલમાં મળવા માટે તમારે એડવાન્સ સરકારી ફી ભરવાની થશે જે ફી બંને વ્યક્તિના રૂપિયા ૨૪,૦૦૦ ગુગલ પેનાં અમારા ખાતામાં અત્યારે ઓનલાઇન ટ્રાન્સફર કરી આપશો તો તમને મુલાકાતના દિવસે મળવા માટે વધારાનો સમય આપવામાં આવશે અને તેની પહોંચ જયારે તમે જેલ ખાતે મળવા માટે આવો ત્યારે લઈ લેજાે. તેમ કહેતા આવી એડવાન્સ સરકારી ફી ભરવાની હશે તેવું માની અને વિશ્વાસમાં આવી ગુગલ પે દ્વારા સામેવાળાના ખાતામાં રૂપિયા ૨૪,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ પછી ૯ એપ્રિલના રોજ યુવાન તેના પિતાને જૂનાગઢ જેલ ખાતે મુલાકાત દિવસે મળવા ગયો હતો તને તેણે ઓનલાઈન ભરેલા રૂપિયા ૨૪,૦૦૦ની પહોંચ બાબતે જેલમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આવા પ્રકારની કોઈ ફી જેલ ખાતેથી લેવામાં આવતી નથી. આમ અજાણ્યા ઈસમે છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ઉતમ દુધાતની અરજીના આધારે જૂનાગઢ સાયબર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!