ઘર સજાવટની ચીજવસ્તુઓથી લઈ તમામ બજારોમાં ખરીદીનો મહોલ
આગામી દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોને ઉમંગભેર માણવા માટે લોકો હવે સજ્જ થઈ ચુકયા છે. સિઝન પણ મધ્યાંતરે પહોંચી છે ત્યારે લોકો હવે તહેવારોની ખરીદી માટે વળ્યા છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં મુખ્ય-મુખ્ય શહેરોમાં એક તરફ રોશનીના જગમગાટ અને સાથે જ ઘર સજાવટની વસ્તુઓથી લઈ તમામ બજારોમાં ધીમે-ધીમે તેજીનો દોર શરૂ થયો છે. ચોમાસાના દિવસોમાં મંદીનું વાતાવરણ રહ્યા બાદ નવરાત્રીના પ્રારંભ સાથે જ બજારોમાં ચહલ-પહલ વધી હતી અને ધીમે-ધીમે ખરીદી કાર્ય શરૂ થયું હતું. શરદ પુર્ણીમાના પર્વ બાદ વધુ તેજીનો દોર શરૂ થશે. દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો આડે હવે થોડા દિવસો રહ્યા છે ત્યારે લોકો સૌપ્રથમ પોતાના ઘર આંગણાની સજાવટ સાથે નવા વસ્ત્રોની ખરીદી, ઘર સજાવટનો સામાન, ઈલેકટ્રોનિકસ આઈટમો, વાહન ખરીદી તેમજ સોના-ચાંદીના દાગીનાની ખરીદી પણ અનુકુળતાએ કરી રહ્યા છે. વણજાેયા મુહુર્ત શરૂ થઈ રહ્યા છે. દશેરાના દિવસે ખુબ જ મોટા પ્રમાણમાં લોકોએ ફરસાણ અને સ્વીટની મજા માણી હતી અને હવે અગીયારશ, ધનતેરસ, દિપાવલીના તહેવારોને ઉમંગભેર માણવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે રંગરોગાનથી માંડીને જુદા-જુદા કામકાજના કારીગરોને માટે પણ ફુલ કામો શરૂ થયા છે. આ સાથે આવકના સ્ત્રોતો પણ આ તહેવારોમાં જળવાય રહ્યા છે. જેમ જેમ દિપાવલીના તહેવાર નજીક આવતા જશે તેમ તેમ મુખવાસથી માંડી મીઠાઈની ખરીદી પણ લોકો હોશેહોશે કરશે. તમામ બજારોમાં હાલ રોનક જાેવા મળી રહી છે. ખાસ કરીને સાંજના સમયમાં બજારોમાં ભારે ગીરદી જાેવા મળી રહી છે અને તેજીના ધીમે-ધીમે શરૂ થયેલા આ દોરને લઈને વેપારીઓ દ્વારા પણ પોતાની દુકાનોમાં નવા માલની અને અધ્યતન ફેશનની ચીજવસ્તુઓ વેંચાણ માટે મુકી રહ્યા છે. આ સાથે જ દિપાવલીનો તહેવારે એ પ્રકાશનું પર્વ છે અને ખાસ કરીને ફટાકડાની આતશબાજી માટેની પણ નાના બાળકોથી લઈ યુવાનોને પણ સારો આનંદ હોય છે. ટુંક સમયમાં ફટાકડા બજારો પણ શરૂ થશે. આમ વિવિધ બજારોમાં તેજીનો દોર દિવાળી સુધી સતત ચાલું રહેશે તેમ મનાઈ છે.