રાજકોટ શહેરમાં ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે જૂનાગઢ પાછળ કેમ ?
જૂનાગઢથી ગાંધીનગર સુધી જે મુદો ગાજી ઉઠયો છે અને ગેરકાયદેસર બાંધકામો અને તે પણ વોંકળા ઉપર ચોકકસ બિલ્ડરો દ્વારા ખડકી દેવામાં આવ્યા છે ત્યારે તેની સામે ભારે આક્રોશ ઉઠવા પામેલ છે અને આવા ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે અવાર-નવાર રજુઆતો, ફરીયાદો વહેતી થઈ છે. ત્યારે હવે આવા ગેરકાયદેસર દબાણો કયારે દુર કરવામાં આવશે ? તેવો સળગતો પ્રશ્ન આમ જનતામાં ચર્ચાઈ રહયો છે.
જૂનાગઢ શહેરમાં જુન માસમાં ભારે વરસાદને પગલે તારાજીનું તાંડવ ખેલાયું હતુું અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં બેટ જેવી હાલત થઈ હતી. ખુબજ નુકશાન લોકોને સહન કરવું પડયું હતું. એટલુંજ નહીં જળ તાંડવ દરમ્યાન લોકોના જીવ પણ પડીકે બંધાઈ ગયા હતા. પરંતુ ઈશ્વર કૃપાથી જૂનાગઢ વાસીઓ હેમખેમ ઉગરી જવા પામ્યા હતા. પરંતુ આ સાથે જ જૂનાગઢ શહેરમાં વોંકળાની રામાયાણ ચર્ચાનો વિષય બની હતી. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા વોંકળાની જગ્યા ઉપર વોંકળાને ટુંકા કરી અને તેના ઉપર ચોકકસ આસામીઓ દ્વારા બિલ્ડીંગો, એપાર્ટમેન્ટો, શોપીંગ સેન્ટરો ખડકી દેવામાં આવ્યા છે અને જેને પરિણામે જૂનાગઢ વાસીઓની આ હાલત થઈ હોવાનું સામે આવ્યું છે અને આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરવામાં આવી છે અને ઉચ્ચ કક્ષાએથી આવા દબાણો દુર કરવા માટે આદેશો પણ જારી કરવામાં આવેલ છે. પરંતુ આજ દિવસ સુધી જૂનાગઢ મનપાએ કુલડીમાં ગોળ ભાંગ્યો જેવું કર્યુ છે. કહેવા પુરતી નોટીસો જારી કરી દેવામાં આવી છે અને આ જારી થયેલી નોટીસથી જ જાણે સંતોષ માની લીધો હોય તેવું હાલ જૂનાગઢવાસીઓને લાગી રહયું છે. કોઈને બચાવવાની પ્રક્રિયામાં અનેકના ભાણા અભડાઈ જાય તેવી સ્થિતીનું જયારે નિર્માણ થયું છે ત્યારે લોકોના મનમાં સળગતો સવાલ પણ ઉઠયો છે કે, કોઈકના પાપે આપણે હજુ કેટલું સહન કરવાનું છે? તેવો સવાલ ચર્ચાની એરણ ઉપર છે. દરમ્યાન રાજકોટ શહેરમાં પણ ગેરકાયદેસર દબાણોની અનેક ફરીયાદોને પગલે આખરે રાજકોટમાં આવા ગેરકાયદેસર દબાણ અને બાંધકામ દુર કરવા માટે ઓપરેશન ડીમોલીશન હાથ ધરાયું છે ત્યારે હવે જૂનાગઢ વાસીઓ પણ રાહ જાેઈ રહયા છે કે હવે કોની મંજુરીની રાહ જાેવાઈ છે? કે જૂનાગઢ શહેરમાં કથિત ગેરકાયદેસર વોંકળાના દબાણો કયારે દુર કરવામાં આવશે? આ સાથે જ આવા જાે ગેરકાયદેસર દબાણો દુર કરવામાં નહીં આવે તો હવે જનતા જનાર્દન જાગૃત બની ગઈ છે અને નવો મોર્ચો ખોલવાની તૈયારીમાં હોવાનું પણ આધારભુત રીતે
ચર્ચાઈ રહયું છે.