હાઇકોર્ટે ગિરનાર પર્વત ઉપર સફાઇ માટે નિમેલા કમિશ્નરની કમિટી જૂનાગઢમાં : તપાસનો ધમધમાટ

0

ગિરનાર ઉપર ગંદકી અંગે કરાયેલ પીઆઇએલ બાદ ગુજરાત હાઇકોર્ટની કમિશનની રચના કરાઇ હતી. આ કમિટીના કોર્ટ કમિશને ગિરનારની મુલાકાત લઇને થયેલી કામગીરીની સમિક્ષા કરી હતી. ખાસ કરીને ગિરનાર ઉપર એકઠા થતા પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે સ્થાનિક તંત્ર દ્વારા શું કાર્યવાહી કરાઇ છે તેનું જાત નિરીક્ષણ કરાયું હતું. આ અંગે જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે, ગિરનાર ઉપર પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી મામલે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરાઇ હતી. બાદમાં હાઇકોર્ટ તરફથી કોર્ટ કમિશનની રચના કરાઇ હતી. જેમાં કોર્ટ કમિશન તરીકે દેવાંગીબેન સોલંકી જૂનાગઢ આવ્યા હતા અને ગિરનાર ઉપર થતી સફાઈ સહિતની કામગીરીની સમિક્ષા કરી હતી. હાઈકોર્ટમાં પીઆઈએલ થયા બાદ ગિરનારના અનેક સ્થળો ઉપર કચરા પેટીઓ મુકાઈ છે. ધાર્મિક સ્થળોની સફાઈ માટે એજન્સીઓને કોન્ટ્રાકટ અપાયો છે. સાથે કોઈપણ પ્રવાસી જાહેરમાં કચરો ન ફેંકે તે માટે અપીલ કરાઈ છે. આ અંગે વન વિભાગ દ્વારા પણ અનેક સ્થળોએ બોર્ડ લગાવાયા છે. જેમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા જણાવાયું છે. કોર્ટ કમિશન દેવાંગી સોલંકીએ સ્થાનિક તંત્રને સાથે રાખીને અંબાજી મંદિર, ગૌરક્ષનાથ શિખર, દત્ત શિખર વગેરેની મુલાકાત લીધી હતી. આ તકે આ તકે જીલ્લા કલેકટર અનિલ રાણાવસીયા, એસડીએમ ભૂમિબેન કેશવાલા તેમજ મનપાના અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી.

error: Content is protected !!