જૂનાગઢ મનપાએ ફુટપાથ ઉપરથી નાના ધંધાર્થીઓની રેકડીઓ હટાવતા : નાના ધંધાર્થીઓમાં રોષની લાગણી

0

જૂનાગઢ શહેરમાં વોકળા ઉપર થયેલા દબાણોને અને ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની પ્રબળ માંગણી લોકોમાંથી ઉઠવા પામી છે. એટલું જ નહી ઉચ્ચ કક્ષાએથી પણ આવા દબાણો દુર કરવા માટે આદેશ છુટયા છે ત્યારે જૂનાગઢ મનપા દ્વારા ગેરકાયદેસર દબાણધારકોને માત્રને માત્ર નોટિસો ફટકારી અને સંતોષનો ઓડકાર માણી લીધો હોય તેમ લાગે છે. તો બીજી તરફ છેલ્લા બે દિવસથી જાહેર માર્ગો ઉપર પોતાની કેબિન-લારીઓ રાખી ખાણીપીણીના સ્ટોલ ધરાવતા નાના ધંધાર્થીઓ માટે મુશીબત ખડી કરી દેવામાં આવી છે. જાહેર માર્ગો ઉપરથી કેબિનો-લારીઓ હટાવી દેવામાં આવી છે અને જેના કારણે ખાણીપીણીના લારીધારકોને રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તહેવારોના ટાંકણે જ કેબિન હટાવો ઝુંબેશને પગલે તેઓને મુશીબત ઉભી થઈ છે ત્યારે ખાણીપીણાના ધંધાર્થીઓમાં ભારે રોષની લાગણી ઉઠવા પામી છે અને ગઈકાલે ખાણીપીણીના ૧૦૦થી વધુ ધંધાર્થીઓએ મનપામાં આવી ડીએમસી એ.એસ. ઝાપડા, આસીસ્ટન્ટ કમિશ્નર જયેશ વાજાને મળી રજુઆત કરી યોગ્ય કરવાની માંગ કરી હતી. દરેક પરિવારજનો દિવાળીની ખરીદીનું આયોજન કરતા હોય છે ત્યારે આવા સમયે જ ધંધો બંધ કરાવવામાં આવે તો અમારા પરિવારને દિવાળી ઉજવવી કઈ રીતે તેમ જણાવી નાના ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે, અમારી માંગ છે કે, કાતો દિવાળી સુધી ધંધો કરવા દો અથવા રોજગારી માટેની વૈકલ્પીક જગ્યા ફાળવો, બધા નાના ધંધાર્થીઓ છે અને રોજેરોજનું કમાઈ ખાનારા છે. રાત-દિવસ મહેનત કરી રોજીરોટી કમાઈ છીએ ત્યારે તહેવારના સમયે રેકડીઓ હટાવી બેરોજગારીમાં ન ધકેલી દો તેવી માંગણી વ્યકત કરવામાં આવી હતી. દરમ્યાન મનપાના આસીસ્ટન્ટ કમિશ્નર જયેશ વાજાએ જણાવ્યું હતું કે, મનપા વિસ્તારમાં રોડની નજીકના દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા, અકસ્માતો સર્જાય છે અને હાઈકોર્ટની સુચના છે કે રોડ નજીકના દબાણો દુર કરાવી રસ્તા કિલયર કરાવવા, તમામ વિસ્તારોના મુખ્ય માર્ગો ઉપરથી દબાણો દુર કરાશે અને આ સાથે જ દરેક એકથી બે રોડમાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી છે. આમાં ફ્રુટની લારી, ખાણીપીણીના ધંધાર્થીઓ તેમજ હરતીફરતી લારીઓ વાળાને રસ્તા ઉપરથી દુર કરાશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ જૂનાગઢ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં રોજગારીના હેતુથી નાના પાયે ખાણીપીણીનો ધંધો શરૂ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહેલા આવા નાના ધંધાર્થીઓ માટે તો આભ તુટી પડયું જેવી સ્થિતિ સર્જાણી છે. ત્યારે આ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે તેનો ઉપાય શું તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
મહાકાય દબાણો કયારે દુર થશે ?
જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્ર વાહકોએ જયારે જૂનાગઢ શહેરમાં રોડ ઉપરથી લારી-કેબિનધારકોને હટાવી જાણે ખુબ જ સારી કામગીરી કરી હોય તેવું દર્શાવી રહ્યા છે. ત્યારે શહેરીજનોમાં એવી ચર્ચા પણ ઉઠવા પામી છે જે મોટા મગરમચ્છોના વોકળાના દબાણો દુર કરવામાં મનપા તંત્રને જાણે લાજ કાઢવી પડતી હોય તેમ લાગે છે. નાના ધંધાર્થીઓને હેરાન કરી અને જાણે જંગ જીતી ગયા હોય તેવો વર્તાવ થઈ રહ્યો છે. સુપ્રિમ કોર્ટના તો અનેક નીયમ છે તેનું પાલન જૂનાગઢ શહેરમાં ખરેખર થાય છે ખરૂ ? તેવો સવાલ પણ આજે ચર્ચાસ્પદ બન્યો છે.

error: Content is protected !!