જૂનાગઢ શહેરના વેપારીઓ દિવાળીના તહેવાર ટાંકણે ઓનલાઈન તરફ વળેલા ગ્રાહકોને ઓફલાઈન ખરીદી તરફ આકર્ષવા માટેનું અનોખું અભિયાન હાથ ધરી રહ્યા છે અને વિવિધ બજારોના આકર્ષક રીતે શણગારવામાં આવશે. આ ઉપરાંત જુદા-જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.
દિવાળીના દિવસોને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરમાં તેજીનો દોર ધીમે-ધીમે શરૂ થવા જઈ રહ્યો છે અને બજારોમાં થોડી ઘરાકી દેખાઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી લોકોમાં ઓનલાઈન ખરીદીનો ક્રેજ વધ્યો છે અને જેના પરિણામે સ્થાનિક નાના વેપારીઓના વેપારને ભારે માર પડી રહ્યો છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા અને ગ્રાહકોને ફરી સ્થાનિક વેપારીઓ તરફ આકર્ષવા માટે જૂનાગઢમાં વેપારીઓ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ અંગે વિશેષમાં મળતી વિગત અનુસાર, અગિયારસથી લઈને બેસતા વર્ષ સુધી તમને જૂનાગઢની બજારમાં કંઈક નવું અને અનોખું દ્રશ્ય જાેવા મળશે જેના કારણે ગ્રાહકોની ભીડ વધી જશે. આ અંગે કલોથ એન્ડ રેડીમેઈડ અસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ તન્ના અને મહામંત્રી ચંદ્રકાંતભાઈ દક્ષિણાએ જણાવ્યું હતું કે, આ વખતે શહેરની બજારોને નવોઢાની જેમ શણગારાશે. ગ્રાહકોને આકર્ષવા શહેરની બજારોમાં ભવ્ય રોશની, નાટકો, સંગીત સંધ્યા, ૩ર પુતળીના ખેલ સહિતના આયોજન કરાયા છે. આમ, લોકો ઓનલાઈન છોડી ફરી ઓફલાઈન ખરીદી કરવા બજાર સુધી આવે તે માટેના તમામ આકર્ષણો બજારમાં ઉભા કરાશે. પરિણામે ગ્રાહકોના પગરવ સ્થાનિક બજારોમાં પડતા બજારોની રોનક પહેલાની જેમ ખીલી ઉઠશે. આમ, બજારોમાં એવી ઝાકમઝોળ ઉભી કરાશે કે ગ્રાહકોને બજાર સુધી આવવાનું આકર્ષણ ઉભું થશે.
જૂનાગઢના વેપારીઓ દ્વારા જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તે અંગેની વિગતો અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. આઝાદ ચોકથી પંચહાટડી અને પંચહાટડીથી અનંત ધર્માલય સુધીના દરેક કોમ્પ્લેક્ષને રોશનીથી ઝગમગતા કરી દેવાશે. બજારોમાં ૩ર પુતળીના ખેલ, રાત્રે સંગી સંધ્યા, વિવિધ સંદેશો આપતા શેરી નાટકો, ઓનલાઈન ખરીદીથી થતા ગેરફાયદા-છેતરપિંડીની શકયતા વગેરેથી અવત કરાવાશે. મોટા ટેડીબિયર ખાસ કરીને બાળકોનું આકર્ષણનું કેન્દ્ર હોય છે. માટે બજારોમાં અનેક જગ્યાએ મોટા ટેડીબિયર ઉભા કરાશે જે બાળકોને મનોરંજન પુરૂ પાડશે. બજારોમાં ટ્રાફિકની સમસ્યા ન રહે અને ગંદકી ન રહે તે માટેની પણ વ્યવસ્થા કરાશે જેથી ગ્રાહોકને કોઈઅગવડતા ન રહે. પરમીશન મેળવાશે જેથી બજારો આખી રાત ખુલ્લી રહી શકે. પરિણામે નોકરીયાત વર્ગ જે રાતના ૧૦ વાગ્યા બાદ નોકરીએથી ઘરે આવતા હોય તે પણ આવી શકે અને આરામથી અને મોડે સુધી ખરીદી કરી શકે. લાઈટીંગ માટેની કોર્પોરેશનમાં કમિશ્નરની મંજુરી મંગાશે, કોર્પોરેટર દ્વારા પણ જરૂરી મંજુરીઓ માટે લેખીતમાં રજુઆત કરાશે. વિશેષમાં ગ્રાહકોને આકર્ષવા માટેનું જૂનાગઢ શહેરના વેપારીઓના આ નવતર અભિયાનને ગ્રાહકો તરફથી પણ પુરતો સહયોગ પ્રાપ્ત થશે તેવી અપેક્ષા વેપારી વર્તુળ રાખી રહ્યા છે.