જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાને લઈ વિવિધ બજારોમાં ખરીદીનો માહોલ ઉઠવા પામેલ છે અને જેમ જેમ તહેવાર નજીક આવશે તેમ તેજીનો દોર શરૂ થવાનો છે ત્યારે જૂનાગઢમાં ગ્રાહકોને ઓનલાઈન નહી પરંતુ ઓફલાઈન ખરીદી કરવા તરફ વાળવા માટે વેપારી એસોસિએશન દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત વેપારીઓ દ્વારા ગ્રાહકોને ઓફલાઈન ખરીદી કરવા અપીલ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ખરીદીનો ક્રેઝ જૂનાગઢ સહિત ગુજરાતભરમાં વ્યાપક બન્યો છે ત્યારે તહેવારોના આ દિવસોમાં પણ ઓનલાઈન ખરીદી થઈ શકે છે પરંતુ તેને કારણે સ્થાનિક વેપારીઓના ધંધામાં માર પડતો હોવાને કારણે મંદિ જેવું વાતાવરણ રહે છે. આગામી દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તહેવારોના આ દિવસોમાં ગ્રાહકો દ્વારા અનેક ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે. આ સાથે જ સ્થાનિક વેપારીઓને તહેવારોની આ મોસમનો લાભ પુરેપુરો મળે અને વેપારીઓ દ્વારા પણ વ્યાજબી ભાવે પોતાની ચીજવસ્તુનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે અને તેનો લાભ ખરીદારો અને ગ્રાહકો લઈ શકે તેવું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે જૂનાગઢ શહેરના વેપારીઓ દ્વારા ગ્રાહકોને ઓફલાઈન ખરીદી કરવા માટેની અપીલ કરવામાં આવી છે.