ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો ગીચ બની રહ્યા છે. અહીં વાહન ચાલકો તથા લોકોની અવર-જવરને થતી હાલાકી સંદર્ભે છેક હાઇકોર્ટની ટકોર બાદ ગઈકાલે શુક્રવારે બપોરે નગરપાલિકા તંત્રએ અન્ય સરકારી વિભાગોને સાથે રાખીને અહીંના ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલના માર્ગ ઉપર ખડકી દેવામાં આવેલા હંગામી દબાણો દૂર કર્યા છે.
ખંભાળિયા શહેરએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક હોવાથી અહીં ટ્રાફિક વ્યવસ્થાને નડતરરૂપ અનેક માર્ગો પર વ્યાપક પ્રમાણમાં ઓટલા, ખાપેડા, સહિતના કામચલાઉ હંગામી દબાણો હોવાથી આ મુદ્દે હાઇકોર્ટ દ્વારા ખંભાળિયા નગરપાલિકાને દબાણ દૂર કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં જુદા જુદા ચાર રસ્તાઓ પરના દબાણોને તાકીદે હટાવીને આ અંગેનો રિપોર્ટ કરવા આદેશ કરાયો હતો.
જેને અનુલક્ષીને ગઈકાલે સવારે ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા તેમની ટીમ દ્વારા આયોજન હાથ ધરી અને અહીંના મિલન ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ સુધીના રસ્તા પરના વિવિધ પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા પોલીસ, આરટીઓ તેમજ પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખીને સવારથી બપોર સુધી આશરે બે ડઝનથી વધુ નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પૂર્વે અહીંના જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજી અને દબાણ હટાવ કામગીરી અંગેની સમીક્ષા પણ કરાઈ હતી.
નગરપાલિકાના ચીફ ઓફિસર, બાંધકામ એન્જિનિયર, પી.આઈ., એ.આર.ટી.ઓ. સહિતના અધિકારીઓ તથા સ્ટાફનો વિશાળ કાફલો નિયત સમયે આ સ્થળે પહોંચી ગયો હતો અને દુકાનદારો દ્વારા બનાવવામાં આવેલા ઓટલા, ખપેડા દુકાનની બહાર કાઢવામાં આવેલા ફટાકડા સહિતના સ્ટોલ, થડા વિગેરે દૂર કરાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં, કેટલાક સ્થળોએ રહેલા ઝુંપડા પણ હટાવવાની કામગીરી કરાઈ હતી.
આ સ્થળે પોલીસ તંત્ર દ્વારા આડેધડ રાખવામાં આવેલા દુકાનદારોના વાહનો ડિટેઇન કરવા તેમજ આરટીઓ દ્વારા દંડ કરવા અને પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ જાેડાણો દૂર કરવાની સધન કામગીરી કરવામાં આવી હતી.
હાઇકોર્ટના આદેશ બાદ સફાળા જાગેલા તંત્રએ જુદા જુદા ચાર માર્ગો પૈકી એક માર્ગ પર લારી, ગલ્લા, રેંકડીઓ સહિતના દબાણો હટાવ્યા હતા. આગામી દિવસોમાં હજુ પણ અન્ય સ્થળોએથી આ પ્રકારના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં તમામ તંત્ર દ્વારા સામુહિક રીતે દબાણ હટાવવાની હાથ ધરવામાં આવેલી આજની આ કામગીરીથી દબાણકર્તા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.