ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ચાલી રહેલા રૂમના બાંધકામની ગુણવત્તા સંદર્ભે ફરિયાદો હોવાના અનુસંધાને રાજ્યના શિક્ષણ મંત્રી અત્રે દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરીને ચાલી રહેલું આ બાંધકામ તોડી પાડી, નવેસરથી કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની શૈક્ષણિક વર્તુળો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં બિલ્ડિંગ માટેનું આશરે રૂપિયા અઢી કરોડના ખર્ચે નિર્માણકાર્ય કરવામાં આવી રહ્યું છે. તે પૈકી રૂપિયા ૨૭.૫૬ લાખના ખર્ચે બે રૂમ સહિતનું બાંધકામ પણ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ કામ નબળું થઈ રહ્યું હોવાની ફરિયાદોને અનુલક્ષીને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા અત્રે રૂબરૂ દોડી આવ્યા હતા.
નવા ચાલી રહેલા બાંધકામમાં ચોક્કસ ભાગમાં તદ્દન હલકી ગુણવત્તાવાળું બાંધકામ થયું હોવાનું તેમના ધ્યાને આવતા તેમના દ્વારા આ બાંધકામ ડિમોલિશ કરી અને અહીં નવેસરથી કામ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ કરવામાં આવ્યો છે. જે અંગેની નોંધ તેમના દ્વારા શાળાની મિનિટ્સ બુકમાં પણ કરવામાં આવી છે. સાથે સાથે ઉપરોક્ત બાબતની કરવામાં આવેલી કાર્યવાહીના તમામ ફોટોગ્રાફ્સ પણ તેમને મોકલવા હુકમ કર્યો હતો. અહીંના શિક્ષણ અધિકારી કચેરીને વિમલભાઈ કિરતસાતા તેમજ સ્થાનિકોની ઉપસ્થિતિમાં શિક્ષણ મંત્રીએ આ કડક કાર્યવાહી કરતા વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ૬,૦૦૦ જેટલી નવી શાળાઓનું બાંધકામમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારનું નબળું કામ કરતા લોકોને બોધપાઠ મળે તે હેતુથી આ હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યમાં જે સ્થળોએ શાળાનું કામ નબળું થશે, ત્યાં આ જ પ્રકારે બાંધકામ તોડીને પાડવામાં આવશે તે બાબત પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. રાજ્યના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ મંત્રીની રૂબરૂ મુલાકાત તેમજ તેમના દ્વારા કરવામાં આવેલા આકરા હુકમથી નબળું કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત કામ માટેના જામનગર સ્થિત કોન્ટ્રાક્ટરને ગત તારીખ ૧ નવેમ્બરના રોજ સમગ્ર શિક્ષા વિભાગના જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર દ્વારા લેખિત નોટીસ ફટકારીને તેઓએ સોંપવામાં આવેલા ૧૬ ઓરડાઓ પૈકી ભંડારીયા પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલું બે ઓરડાનું કામ નબળું હોવાની બાબતને ગંભીર ગણાવી તોડી પાડવા લેખિત આદેશ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયાએ જણાવ્યું હતું કે તારીખ ૨૮ ઓક્ટોબરના રોજ તેઓને નબળા કામ અંગેની જાણ કરાતા તારીખ ૩૦ ના રોજ તેમણે સ્ટાફ દ્વારા ખાસ વિઝીટ કરાવવા કરાવી હતી અને ઉપરોક્ત કામ યોગ્ય રીતે થયેલું ન હોવાથી તાત્કાલિક અસરથી પગલાં લઈ અને આદેશ કરાયો હતો. આટલું જ નહીં, દેવભૂમિ દ્વારકા જિલ્લાની કોઈપણ સરકારી શાળામાં કોઈપણ કામ નબળા થતા હોય તો શિક્ષણ અધિકારીને જાણ કરવા પણ વધુમાં તેમણે જણાવ્યું હતું.