ચાલો… નૂતન વર્ષે રામરાજ્યના સાક્ષી બનીએ

0

અયોધ્યામાં ભગવાન શ્રીરામચંદ્ર ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે સાચા અર્થમાં આ દિવાળી એ આપણે સૌ રામરાજ્યના સાક્ષી બનીશું. ૨૧મી સદી અને એમાં પણ વર્ષ ૨૦૨૩માં ભારત અને દુનિયાએ ઘણું બધું જાેયું છે ત્યારે મારી દ્રષ્ટિએ આ વર્ષ ભારત માટે ખૂબ યશકલગી સમાન બન્યું છે. આવનારૂ વર્ષ તો એના કરતાં પણ વધારે જ્વલંત સફળતાવાળુ બનવાનું છે. ભારતની આઝાદી બાદ પહેલી વખત દેશમાં જી૨૦ સમિટ થયું. વિશ્વના સૌથી વિકસિત દેશોના નેતાઓ આપણા મહેમાન બન્યા. આ કઈ નાની સુની વાત નથી. દરેક ભારતીયો માટે ગૌરવવંતી વાત છે. વિશ્વની મહાસત્તાઓ ભારતીય સંસ્કૃતિથી વાકેફ થઇ. ભારતના લોકો અને ભારતની મહાન અને આદર્શ પરંપરાઓથી માહિતગાર થયા. આજે વિશ્વના દરેક દેશોમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. એક સમયે આપણા ઉપર શાસન કરનારા ઇંગ્લેન્ડ દેશમાં પણ રાષ્ટ્રપ્રમુખ તરીકે રુષિ સુનક એ ભારતીય સંસ્કૃતિ અને હિંદુત્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તો બીજી તરફ આ વર્ષે બહુ બધા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ ભારતના રમતવીરો જીતીને લાવ્યા છે. અહીં કહેવાનો ઉપક્રમ છે કે, વિશ્વમાં ભારત જુદા જુદા ક્ષેત્રોમાં મહાસત્તા તરીકે પોતાનું પગરવ જમાવી રહ્યું છે. આયાત નીકાસની વાત હોય કે પછી બીજી કોઈ પણ વાત.. ભારત વધુને વધુ આર્ત્મનિભર બનતું જાય છે. અને ભારતીયો પોતાની બુદ્ધિ, ચતુરાઈ, આવડત અને આધ્યાત્મિક ક્ષમતાઓને વિકસાવી રહ્યું છે. ત્યારે ચાલો આપણે સૌ સાથે મળી આવનારા વર્ષને પણ વધાવીએ અને સાચા અર્થમાં વર્ષ ૨૦૨૪માં રામરાજ્યના સાક્ષી બનીએ. આ વાત કહેતા મને ખૂબ ગૌરવ થાય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી રાઘવેન્દ્ર સરકાર પોતાના મંદિરથી દૂર હતા અને સાચા અર્થમાં જ્યાં રામલલ્લાનો જન્મ થયો છે તે જ પવિત્ર જગ્યા ઉપર ભવ્ય અને દિવ્ય મંદિરનું મહાનિર્માણ થઈ રહ્યું છે. આવનારા જાન્યુઆરી ૨૦૨૪ માં સમગ્ર દેશ સાચા અર્થમાં ખુબ ભક્તિભાવ સાથે ભગવાન શ્રીરામચંદ્રની ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી દિવાળી અને નવા વર્ષની ખૂબ શાનદાર રીતે ઉજવણી કરશે. અને રામલલાના આગમનના વધામણા કરશે આ દિવ્ય ક્ષણ ૧૦૦ કરોડ ભારતીય નાગરિકોની મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થાનો દિગંતમાં જય જયકાર કરાવશે. આમ તો ઇતિહાસમાં જાેઈએ તો જે તે સમયે ૧૪ વર્ષના વનવાસ પછી ભગવાન શ્રીરામ અયોધ્યા પધાર્યા એ દિવસને દિવાળીનો દિવસ તરીકે ઊજવવામાં આવે છે. સમગ્ર ભારત અને ભાવિક ભક્તો સાચા અર્થમાં જ્યારે ભગવાન શ્રીરામલલ્લા અયોધ્યાની ગાદી ઉપર જાન્યુઆરી મહિનામાં બિરાજમાન થશે એટલે કે નૂતન મંદિરમાં સાક્ષાત્‌ પ્રતિષ્ઠિત થશે ત્યારે જ સાચા અર્થમાં ભક્તોની દિવાળીની ઉજવણી થશે. વિશ્વની સમક્ષ ભારતે અનેક ક્ષેત્રોની અંદર ખૂબ પ્રગતિ સાધી છે. એ ચંદ્રયાન-૩ હોય કે પછી જી૨૦ હોય, આપણે સૌ ચંદ્રયાન-૩ ના સાક્ષી બન્યા છીએ. આવનારા સમયમાં ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પણ શિરમોર નામ કરી રહ્યું છે. ભારતના ઉદ્યોગપતિઓ વિવિધ ક્ષેત્રોમાં પોતાની કુશળતાનું પ્રદર્શન કરી રહ્યા છે. વિશ્વની સર્વોચ્ચ કંપનીઓના સીઇઓ તરીકે પણ ભારતીય લોકો પોતાની સેવા આપી રહ્યા છે. મને લાગે છે કે, વર્ષ ૨૦૨૩ આપણા સૌ માટે ખૂબ ગૌરવભર્યું હતું. આ વર્ષે ભારતને ખૂબ યશસ્વીતા અને કીર્તિ પ્રદાન કર્યા છે. આવનારા દિવસો પણ ઈશ્વરની કૃપાથી, ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની કૃપાથી સૌ ભારતીયો માટે ખૂબ જ ગૌરવવંતુ-ભાગ્યવંતું બનશે. કોરોના જેવી મહામારીને બાદ કરતાં આજે ભારત વિવિધ ક્ષેત્રોમાં પોતાના નાગરિકોને સર્વોચ્ચ સુવિધા આપવામાં સફળ રહ્યું છે. આજે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પોતાની પાસે રહેલી સરકારી સુવિધાઓથી મફતમાં પોતાનુ આરોગ્ય સાચવી શકે છે. વિવિધ યોજનાઓ થકી હવે કોઈપણ ગામડાના માતા-પિતા કે કોઈ વૃદ્ધ લોકો રોગથી પીડાતા નથી. દરેકને સંતોષકારક સારવાર મળી રહે છે. જ્યારે પડોશી રાષ્ટ્રમાં ખાવા માટે ઘઉંના પણ ફાફા પડતા હોય ત્યારે આખા વિશ્વની અંદર જ્યારે મંદી ભરડો લઈ ગઈ હોય ત્યારે ભારતની અંદર આપણા કુશળ શાસકો દ્વારા અને ભારતીય લોકોના મક્કમ મનોબળ દ્વારા આપણે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. આ નૂતન વર્ષે પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરીએ કે, બસ આવી જ રીતે આ ભારત માતાની સેવા કરતા દરેક વીર લોકો, ભારતમાતાના સેવકો એવા દરેક નાગરિકોના જીવનમાં ખૂબ ખૂબ પ્રકાશ પથરાય, સર્વત્ર સૌ સુખ, સમૃદ્ધિ, શાંતિ પૂર્વક પોતાના રાષ્ટ્ર માટે કામ કરી શકે એવી આપણને સૌને ઈશ્વર શક્તિ અને પ્રેરણા આપે. બળ, બુદ્ધિ, વિદ્યા અને ધન આપે કે જેના થકી આપણે સાચા અર્થમાં હિન્દુ રાષ્ટ્ર તરીકે “વસુધૈવ કુટુંબકમ્” સૂત્રને સાકાર કરી શકીએ. ફરી ફરી સૌને નૂતન વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. ચાલો સૌ સાથે મળીને ભગવાન શ્રીરામના મંદિરના ઉત્સવને ખરા અર્થમાં નવા વર્ષની ઉજવણીરૂપે ઉજવીએ.

error: Content is protected !!