જૂનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વિભાગના બ્લડ બેંકના ઇન્ચાર્જ ડો. ભાવિન પઢારિયાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, અત્રેની હોસ્પિટલમાં રક્તની અછતના કારણે દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવા હેતુસર તારીખ ૭, ૮ અને ૯-૧૧-૨૩ એમ ત્રિદિવસીય રક્તદાન કેમ્પનું સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક વિભાગમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમય સવારે ૯ થી રાત્રિના ૮ વાગ્યા સુધીનો છે. જે લોકો પોતાનું રક્તનું દાન કરવા માંગતા હોય તેવા તમામ રક્તદાતાઓને સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. આ કેમ્પમાં પ્રથમ દિવસે જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સુપ્રીટેન્ડન ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે પોતાનું રક્તદાન કરીને પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. સિક્યુરિટી ગાર્ડ સહિત હોસ્પિટલના અન્ય વર્ગ-૪ના કર્મચારીઓએ પણ પોતાનું રક્તનુ દાન કરીને માનવજીવન બચાવમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું છે. જૂનાગઢની વિવિધ સેવાભાવી સંસ્થાઓ જેવી કે સર્વોદય બ્લડ બેંક, આરએસએસ, સત્યમ સેવા યુવક મંડળ સહિત સંસ્થાઓ દ્વારા લોકોને રક્તદાન કરવા અંગે જાગૃત કરવાના પ્રયાસો કરી રહી છે. હોસ્પિટલ વિભાગના કર્મચારીઓ દ્વારા ૩૦ જેટલી રક્તની બોટલ અને ગિરનારી ગ્રુપના સભ્યો દ્વારા છેલ્લા ૪૮ કલાકમાં ૨૩ જેટલી રક્તની બોટલ એકત્રિત કરણ કરી આપવામાં આપી છે. તે બદલ બધા જનો આભાર વ્યક્ત કરી આ ત્રીદિવસીય કેમ્પમાં વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેમ યાદીના અંતે જણાવેલ હતું.