દેવ મંદિરોમાં વિશેષ પૂજા સહિતના કાર્યક્રમોનો લાભ લેતા શ્રધ્ધાળુઓ
ધનતેરસના દિવસથી એટલે કે આજથી શરૂ થયેલા દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોની આ શૃંખલામાં જૂનાગઢ અને ભવનાથ વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોએ શ્રધ્ધાળુઓનો પ્રવાહ દર્શનાર્થે ઉમટી પડી રહેલો છે. દુર-દુરથી આવેલા પ્રવાસીઓ પણ ફરવાલાયક સ્થળોએ ઉમટી રહ્યા છે અને જૂનાગઢ શહેરમાં પ્રવાસીજનતાનું આગમન થઈ રહ્યું છે.
દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોના આ દિવસોમાં ખાસ કરીને જૂનાગઢ અને આસપાસ આવેલા ફરવા લાયક સ્થળોએ પ્રવાસીજનતા મોટી સંખ્યામાં આવતી હોય છે. જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોએ પણ તહેવારોના દિવસોમાં વહેલી સવારથી દર્શન માટે લોકો ઉમટી પડતા હોય છે અને જેને લઈને જૂનાગઢ શહેરમાં પ્રવાસીજનતાનું આગમન થઈ ચુકયું છે અને ખાસ કરીને ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલા વિવિધ દેવ મંદિરો તેમજ જૂનાગઢ શહેરમાં આવેલા ધાર્મિક સ્થળોએ ભાવિકોની વિશેષ ઉપસ્થિતિ જાેવા મળી રહી છે. આ ઉપરાંત ધનતેરસના વિશેષ પૂજાના કાર્યક્રમો તેમજ દિપાવલી અને નૂતન વર્ષ નિમિતે અન્નકોટના કાર્યક્રમોનું પણ ધાર્મિક સ્થળોએ આયોજન કરવામાં આવેલ છે અને તે અંગેના કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવેલ છે. અન્નકોટ દર્શન માટે પણ ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.