જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં દેવમંદિરોમાં વિશેષ પૂજાના કાર્યક્રમો : આજે લક્ષ્મીજીનું પૂજન, ચોપડા પૂજન સહિતના કાર્યક્રમો : જૂનાગઢની બજારોમાં તહેવારોની ખરીદીનો શરૂ થયેલો દોર
આજે ધનતેરસના પાવનકારી પર્વે દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોનું કાઉન્ડાઉન શરૂ થઈ ગયું છે. ધનતેરસના આ પર્વ પ્રસંગે દેવ મંદિરોમાં અનેરી રોશનથી સજાવટ તેમજ પૂજનવિધી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં દાણાણીઠ ખાતે આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરે આજે સવારથી પૂજનવિધી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને દર્શનાર્થીઓનો પ્રવાહ સતત વહેતો થયો છે. દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો આડે હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તહેવારોની ઉજવણી માટે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાં તહેવારોની ઉજવણીનો માહોલ પ્રસરી ગયો છે. જૂનાગઢ શહેરમાં વિવિધ બજારોમાં પણ ખરીદીનો દોર શરૂ થયો છે અને ઉત્સાહ લોકોમાં જાેવા મળી રહ્યો છે. સાંજના સમયે વિશેષ ખરીદી રહેતી હોય છે. આ ઉપરાંત આજે ધનતેરસના પાવનકારી પર્વે લોકોએ પોતાના ઘર આંગણાની પણ સજાવટ કરી છે. આકર્ષક રંગોળીઓ પુરવામાં આવી છે. તેમજ દરવાજે આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે અને ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે અને ઘરે-ઘરે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવ્યું છે. વેપારી દ્વારા પોતાના વ્યવસાય પ્રતિષ્ઠાનોએ પણ લક્ષ્મીજીનું પૂજન, ચોપડા પૂજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. લક્ષ્મીપૂજનની પરંપરા રાત્રીના કરવાની રહી છે અને આજે ધનતેરસે વેપારીઓ સારા ચોઘડીયામાં ચોપડા પૂજન કરશે અને નવા વર્ષમાં તથા નવા વર્ષમાં ધંધારોજગારમાં તેજી રહે તે માટે પરમાત્મા પાસે અભ્યર્થના કરવામાં આવશે. આજે ધનતેરસથી લઈ ભાઈબીજ સુધીના તહેવારોમાં આખું વર્ષ સુખ, શાંતી અને સમૃધ્ધીમય બની રહે તેવી શુભકામના પાઠવવાનો દોર શરૂ થઈ ગયો છે. થોડા વર્ષો પહેલા જયારે સોશ્યલ મિડીયાનું ચલણ બહુ ન હોતું ત્યારે લોકો દિપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ ગ્રીટીંગ કાર્ડ મારફત સ્નેહિજનો, મિત્રોને પાઠવતા હતા. જયારે ગ્રીટીંગ કાર્ડનો જમાનો ઓલ્ડ ફેશન બની ગઈ છે અને આજે સોશ્યલ મિડીયા એકટીવ છે ત્યારે સોશ્યલ મિડીયામાં લોકો પરસપર સ્નેહિજનોને શુભકામના પાઠવવામાં આવી રહી છે.