જૂનાગઢ મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા મહાનગરપાલિકાના કમિશ્નરને એક પત્ર પાઠવી શહેરના રસ્તા, ગટર પાઈપલાઈનના પ્રશ્ને તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ આવેદનપત્રમાં વધુમાં જણાવેલ છે કે, જૂનાગઢ શહેરમાં સતત પણે વિકાસ કામોની ઝંખના રાખતા નાગરિકોના ભાગે જાણે કે સુખ સુવિધાના બદલે હાલાકી જ લખાય હોય તેવી રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાના સતત પણે કામ ચાલે છે, શહેરના મોટાભાગના રસ્તાઓમાં આંગળીથી લઈ ગોઠણ સુધીના ખાડાઓની સમસ્યાનું જાણે કે ક્યારેય પૂરી રીતે નિવારણ કરવામાં આવતું ન હોય તેમ શહેરમાં ખાડા વાળા રસ્તાઓથી પ્રજાનો કાયમી નાતો બંધાઈ ગયો હોય તેમ પાઇપ અને ગટરના કામો માટે ડામર રોડ વારંવાર ખોદી નાખવામાં આવે છે. ખોદાયેલા રસ્તા ઝડપથી રીપેર થતા નથી. ગટર કામ માટે ખોદાયેલા રસ્તામાં માટીકામ શરૂ થાય ત્યાર પછી તંત્રને પાઇપલાઇન ફીટીંગ કે મોબાઈલ ટાવર કંપનીના કેબલ ઇન્સ્ટોલેશનનું કામ યાદ આવતું હોય તેમ ફરીથી રસ્તા ખોદી નાખવામાં આવે છે, આ જ રીતે નાગરિકોના ભાગે ખાડા વાળા રસ્તાઓ નસીબમાં લખ્યા હોય તેમ શહેરમાં ખાડા કે ખાડામાં આખું શહેર વસ્તુ હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. જૂનાગઢ શહેરમાં વર્ષે હજારો નહીં પણ લાખો પ્રવાસીઓની અવરજવર થાય છે, ત્યારે મજેવડી દરવાજા, સ્ટેશન ચોક, વંથલી દરવાજા, બસ સ્ટેન્ડ, ટીંબાવાડી બાયપાસ, ભવનાથ, ધારાગઢ દરવાજા જેવા જૂનાગઢ શહેરમાં આવન જાવન વાળા રસ્તાઓ મગરની પીઠ જેવા થઈ ગયા હોય હજારો લોકો સામે જૂનાગઢ શહેરની આબરૂના લીરા ઉડતા હોય તેવી સ્થિતિનું તાકીદે નિવારણ લાવવાની માંગ ઉઠી છે. જાે શહેરના રસ્તા રીપેર કરવાનું આયોજનબંધ કામ નહીં થાય તો ના છૂટકે મધુર સોશિયલ ગ્રુપ પ્રજાને સાથે રાખી સત્યાગ્રહ કરશે તેવી ચીમકી સંસ્થાના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને અમિષ ગોસાઈએ ઉચ્ચારી છે.