દેવઉઠી એકાદશીના પર્વે ઠેર-ઠેર તુલસી વિવાહના આયોજનો : ભગવાનના લગ્નોત્સવમાં મહાલવા ભાવિકોમાં ભારે ઉત્સાહ
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમાનો દેવઉઠી દિવાળીના દિવસથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આગામી તા.ર૩ અને ગુરૂવારના રોજ પરિક્રમા શરૂ થવા જઈ રહી છે તો બીજી તરફ કારતક સુદ અગીયારસ અને દેવ દિવાળીના આ દિવસે તુલસી વિવાહના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે. ભગવાનના ભારે ઉત્સાહ સાથે લગ્ન કરવામાં આવતા હોય છે અને આ સાથે જ લગ્નગાળાની મોસમ પણ પુર બહારમાં ખીલી ઉઠી હોય છે. આ વર્ષે લગ્નના કુલ ૪૧ શુભમુહુર્ત રહેલા છે. ત્યારે તા.ર૭ નવેમ્બરથી લઈ લગ્નસરાની મોસમ પણ શરૂ થવાની છે અને જેની તૈયારીમાં લોકો કે જેમના ઘરે રૂડો અવસર આવવાનો છે તે લગ્નની તૈયારીમાં પડી ગયા છે. દિપાવલી, નૂતન વર્ષ, ભાઈબીજ, લાભપાંચમ, જલારામ જયંતિ સહિતના પર્વની જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ભારે ઉત્સાહમય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગત રવિવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂજય જલારામ બાપાની રર૪મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આરતી, પૂજન, શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા અને જય જલીયાણનો નાદ ગુંજી ઉઠયો હતો. આગામી ગુરૂવારે તા.ર૩ નવેમ્બરે દેવઉઠી એકાદશી છે. વિક્રમ સંવત ર૦૮૦ની આ પ્રથમ એકાદશી છે. તેને દેવઉઠી એકાદશી તરીકે શ્રધ્ધા અને ભકિતભાવ પુર્વક મનાવવામાં આવશે. દેવ દિવાળીના આ પર્વે સૌરાષ્ટ્રભરમાં તુલસી વિવાહના કાર્યક્રમો ઠેર-ઠેર યોજવામાં આવી રહ્યા છે. ભગવાન સાલીગ્રામ અને તુલસી વિવાહના પ્રસંગને ભાવિકો અને શ્રધ્ધાળુ દ્વારા ભારે ઉત્સાહ પુર્વક મનાવવામાં આવે છે. સાજન, માજન સાથે ભગવાનની જાજેરી જાન જાેડવામાં આવે છે અને વાજતેગાજતે તુલસી વિવાહના કાર્યક્રમો સંપન્ન થાય છે. તુલસી વિવાહના કારયક્રમો સંપન્ન થયાની સાથે જ લગ્નસરાની મોસમનો પણ પ્રારંભ થતો હોય છે. સૌરાષ્ટ્રમાં દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહના આયોજનો થતા હોય છે અને પુષ્ટી સંપ્રદાયના મંદિરોમાં શેરડીનો મંડપ બાંધવામાં આવે છે. ભગવાન વિષ્ણુના તુલસી માતા સાથે વિવાહ સંપન્ન થયા હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરાતા નથી અને આ દિવસથી જૂનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થાય છે. આ પરિક્રમાને લઈને ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં ૧પ લાખ કરતા પણ વધારે ભાવિકો ઉમટી પડશે તેવી ધારણા છે.