જગતમંદિરમાં કાલે ઠાકોરજીના તુલસીજી સાથે વિવાહ યોજાશે : મોટી સંખ્યામાં ભાવિકો લગ્નોત્સવને માણવા ઉમટશે

0

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં આવતીકાલ ગુરૂવાર કારતક સુદ એકાદશીના શુભ દિને ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાશે. દર વર્ષે આ દિવસ દેવઉઠી એકાદશી અથવા તો દેવપ્રબોધિની એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે અને અષાઢ સુદ અગિયારસથી સતત ચાર માસ સુધી યોગનિદ્રામાં શયન કરી રહેલાં ભગવાનને જગાડવામાં આવે છે. આથી જ આ દિવસને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. દેવશયનીથી બંધ થયેલ શુભ-માંગલિક કાર્યો દેવઉઠી એકાદશીથી પુનઃ શરૂ થઈ જાય છે. શ્રીજી ભગવાનના તુલસીમાતા સાથેના વિવાહના કારતક સુદ અગિયારસના યોજવામાં આવે છે. કારતક સુદ નૌમથી તુલસીવાસનું વ્રત કરનાર બારસના દિવસે પારણા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના દરેક સ્વરૂપની ષોડશોપચાર પૂજા કરી શંખ, ઘંટ અને મૃદંગના નાદ સાથે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરાય છે. તુલસીમાતાને સૌભાગ્યવતીનો શણગાર કરી શાલીગ્રામની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે.
સાંજે ગોપાલજીનો વરઘોડો, રાત્રે મંદિર પરિસરમાં તુલસી વિવાહ
દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના મંદિરના પૂજારી જણાવ્યા અનુસાર સાંજે ૬ વાગ્યે મંદિર પરિસરમાંના રાણીવાસમાં ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાંજતે ગાજતે નીકળશે. જે શહેરના રાજમાર્ગો પર ફરી પુનઃ રાણીવાસ માં પધારશે. રાત્રિના રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાશે. જગત મંદિ ના પૂજારીના જણાવ્યાનુસાર સાંજે ગૌધુલિક સમયે નિજ મંદિરમાં ઠાકોરજીના બાલ્ય સ્વરૂપનું શાસ્ત્રોક વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે લગ્ન ઉત્સવ યોજાશે.

error: Content is protected !!