જૂનાગઢના પંચહાટડી ચોકમાં ૩૦ ઓકટોબરની સમી સાંજે પાન બીડીની દુકાને માવો બનાવવાનું કહી અજાણ્યા ઈસમે ૩૦૦૦ની રોકડ સાથેના પાકીટની લુંટ ચલાવી હતી. લુંટનો ભોગ બનેલા વૃધ્ધ વેપારી અપરિણીત હોવાથી ડર લાગતા તેમણે બનાવ અંગે ર૧ દિવસ મોડી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગતો એવી છે કે, શહેરમાં પંચહાટડી ચોક પાસે પાન બીડી અને મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતા રાજેન્દ્રભાઈ અમૃતભાઈ વિઠ્ઠલાણી(ઉ.વ.૬૩) ગત તા.૩૦ ઓકટોબરના રોજ સાંજના પઃ૩૦ના અરસામાં તેમની દુકાને હતા ત્યારે કાળા કલરની બાઈક ઉપર કાળા કલરનું જીન્સનું પેન્ટ અને કાળા કલરનો સયેદ ચેકસ ડિઝાઈન વાળો શર્ટ પહેરેલ ૩૦ વર્ષની વયનો એક અજાણ્યો ઈસમ આવેલ અને માવો બનાવવાનું કહી માવામાં બાબુ પાર્સલ નાખજાે તેમ કહેતા રાજેન્દ્રભાઈ વિઠ્ઠલાણી કબાટમાં રાખેલ બાબુ પાર્સલ લેવા ઉભા થયા ત્યારે આ શખ્સ વેપારીના પેન્ટના પાછળના ખિસ્સામાંથી રૂપિયા ૩૦૦૦ની રોકડ સાથેના પાકીટની લુંટ ચલાવીને નાસી ગયો હતો. વેપારી રાજેન્દ્રભાઈ અપરિણીત હોય અને એકલા રહેતા હોવાથી ડર લાગતા જે તે વખતે તેમણે પોલીસ ફરિયાદ કરેલ નહી પરંતુ મોટાભાઈ અને અન્ય વેપારીઓએ હિંમત આપતા બનાવના ર૧ દિવસ બાદ એટલે કે ર૧ નવેમ્બર મંગળવારે બપોરે ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.