જૂનાગઢમાં કોલેજીયન યુવતીના આપઘાત પ્રકરણમાં એકની અટક, મોબાઈલ કબજે કરાયો : તપાસનો ધમધમાટ

0

જૂનાગઢની કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વિદ્યાર્થિની જાનવી હિતેષભાઇ મહેતા(ઉ.વ.૧૭)ના એક વર્ષ અગાઉના આપઘાત કેસમાં તાલુકા પોલીસે ૧ ઈસમની ધરપકડ કરી પ્રેમી શખ્સની શોધખોળ હાથ ધરી છે. મૃતક છાત્રાના માતા મિતલબેન મહેતાએ વેરાવળનો સુજલ મારૂ અને ઉપલેટાનો સૌરવ મોડાસીયા વિરૂદ્ધ જાનવીને પ્રેમજાળમાં ફસાવી, બ્લેકમેઇલ કરી મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ મંગળવારની રાત્રે નોંધાવી હતી. જેના આધારે જૂનાગઢ તાલુકા પોલીસ મથકના મહિલા પીએસઆઇ જે. ડી. દેસાઈએ ત્વરિત તપાસ હાથ ધરી યુવતીનો બનાવટી ભાઇ સૌરવ પ્રકાશભાઈ મોડાસીયાની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. તપાસનીશ પીએસઆઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સૌરવનો કબજે લેવાયેલ મોબાઈલ એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવેલ છે. જેતે સમયે આ યુવતીના મોતનાં બનાવમાં એડી નોંધવામાં આવી હતી. પરંતુ જુદા જુદા એંગલથી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. અને મરનારના પરિવારજનોએ રજૂ કરેલા પુરાવાના આધારે મૃતકની માતાની ફરિયાદ લઈ બંને ઇસમો સામે જાનવીને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક અને આરોપીઓની ઓડિયો ક્લિપ, ફોટા વગેરે પુરાવારૂપે મેળવી તપાસ આગળ ધપાવવામાં આવી છે. મુખ્ય આરોપી સુજલ મારૂને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતી જાનવી મહેતા ભેસાણ ચોકડી પાસે આવેલ ખાનગી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ત્રીજા વર્ષનો અભ્યાસ કરતી હતી. અને તેણીએ ગત તા.૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ હસનાપુર ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. જાનવી અને તેની સાથે અભ્યાસ કરતો વેરાવળનો સુજલ પ્રતાપભાઈ મારૂ વચ્ચે પ્રેમ સંબંધ હતો. જેમાં આ ઈસમે દગો દેતા છાત્રાએ આત્મહત્યા કરી લીધી હતી. દરમ્યાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!