હાલ મનખા હાલ પરિક્રમાના મેળામાં ગિરનારની લીલી પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધતા લાખો શ્રધ્ધાળુઓ

0

પરિક્રમાના પ્રારંભ પુર્વે જ ૩.પ૦ લાખથી પણ વધારે ભાવિકોએ પરિક્રમા પુર્ણ કરી ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સમા પરિક્રમાના મેળામાં જંગલમાં મંગલ જેવું દ્રશ્ય સર્જાયું

ગરવા ગિનારની લીલી પરિક્રમાનું ખુબ જ મહત્વ હોય અને પરંપરા અનુસાર આ પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધવા ભાવિકો અને શ્રધ્ધાળુઓનો માનવ મહેરામણ દર વર્ષે ઉમટી પડે છે. આ વર્ષે પણ દુર-દુરથી આવેલા ભાવિકો અને શ્રધ્ધાળુઓ ગિરનારની લીલી પરિક્રમામાં સહભાગી બન્યા છે. પરિક્રમાનો પ્રારંભ દર વર્ષે દેવઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળીના પર્વે મધ્યરાત્રીએ કરવામાં આવતો હોય છે અને પરિક્રમાર્થીઓ પરિક્રમાના રૂટ ઉપર રવાના થતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિધિવત રીતે પરિક્રમા શરૂ થાય તે પહેલા જ હજારો ભાવિકો પરિક્રમા માટે આવી જતા હોય છે. આ વર્ષે પણ પરિક્રમા શરૂ થાય તે પહેલા જ હજારો ભાાવિકોનું આગમન થયું હતું અને જેને લઈને તંત્રને એક દિવસ વહેલી જ પરિક્રમા માટે ગેઈટ ખોલવો પડયો હતો અને પરિક્રમાર્થીઓને પરિક્રમા માટે રવાના કરવામાં આવેલ હતા. ગરવા ગિરનારની લીલી પરિક્રમાના આ મેળામાં ગઈકાલે સાંજે ૭ વાગ્યા સુધીમાં સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર સાંજના ૭ વાગ્યા સુધીમાં કુલ ૩,૩૧,૭૭પ ભાવિકોએ પરિક્રમા પુર્ણ કરેલ છે. દરમ્યાન ગઈકાલે દેવ દિવાળીના પાવન પ્રસંગે ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો સંતો-મહંતો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂજનવિધી પણ સંપન્ન થઈ હતી. લાખો શ્રધ્ધાળુઓ ગરવા ગિરનારની લીલી પરિક્રમાના સહભાગી બન્યા છે. પરિક્રમા દરમ્યાન કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ બને નહી તે માટે જીલ્લા પોલીસ તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવેલ છે તેમજ સ્થાનિક તંત્ર તેમજ વહિવટી તંત્ર દ્વારા પણ તકેદારીના પગલા અને અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. બીજી તરફ ધાર્મિક સ્થળો, ઉતારા મંડળ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોની સુખસુવિધા માટે વિશેષ સગવડો ઉભી કરવામાં આવી છે. એટલું જ નહી પરિક્રમામાં આવનારા ભાવિકોને માટે પ્રસાદ-ભોજનની આગવી વ્યવસ્થાના ભાગરૂપે અન્નક્ષેત્રો પણ શરૂ કરવામાં આવ્યા છે અને આ અન્નક્ષેત્રમાં સેવાકીય સંસ્થાઓ, મંડળો દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે. સેવાનું પુનિત ભાથું બાંધતા સેવાભાવીઓને પણ ધન્યવાદ આપવા ઘટે. રાત-દિવસ જાેયા વિના ખડેપગે ભાવિકોને માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં ખુબ જ વધારો થયો છે. પરિક્રમા માટે દુર-દુરથી આવેલા ભાવિકો પોતપોતાના સંઘ સાથે દિવસ દરમ્યાન પરિક્રમા ભ્રમણ કરતા હોય છે અને પરિક્રમાના પડાવ નળપાણીની ઘોડી, જીણાબાવાની મઢી, સરકડીયા હનુમાનજી, બોરદેવી સહિતના પડાવ ઉપર પરિક્રમાર્થીનો માનવ મહેરામણ ઉમટી પડયો છે. રાત્રીના પરિક્રમાના રૂટ ઉપર જંગલમાં મંગલ જેવું દ્રશ્ય સર્જાય છે અને હરીનો માર્ગ છે સુરાનોની પંકિતને સાર્થક કરવામાં આવી રહી છે. રાત્રીના સંતવાણીના કાર્યક્રમો પણ યોજાય છે. ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સમો પરિક્રમાના મેળામાં હૈયેહૈયુ દળાય તેટલા ભાવિકો ઉમટી પડયા છે.

error: Content is protected !!