જય ગિરનારીના ગગનભેદી નાદ સાથે ગરવા ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત થયેલ શુભારંભ

0

શ્રી હરિગીરીબાપુ, શ્રી ઈન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી મહારાજ સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભગવાન ગુરૂ દત્તાત્રેયનું કરાયું પૂજન

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે દેવ દિવાળીના પાવન પર્વે વિધીવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ગિરનાર લીલી પરિક્રમાનો પદાધિકારીઓ તેમજ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ શ્રીફળ વધેરી શ્રી હરિ ગીરીજી બાપુ, શ્રી ઈન્દ્રભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરી મહારાજ, સહિતના સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ પૂર્વે ભગવાન ગુરૂ દત્તાત્રેયનું શાસ્ત્રોકત પૂજન કરવામાં આવ્યું હતું. પરિક્રમાના વિધિવત પ્રારંભ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. કલેકટર સહિતના અધિકારીઓએ ભાવિકોને સુખરૂપ પરિક્રમા માટે શુભકામના પાઠવતા પ્રકૃતિને હાની ન થાય તેની કાળજી લેવા માટે પણ અનુરોધ કર્યો હતો. આ પાવન પરિક્રમાના પ્રારંભ વેળાએ પદાધિકારીઓ, જીલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નાયબ વન સંરક્ષક અક્ષય જાેશી, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર પી.જી. પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, ડેપ્યુટી કમિશનર એ.એસ. ઝાંપડા, કોર્પોરેટર એભાભાઈ કટારા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતો-મહંતો, શ્રધ્ધાળુઓ અને ભાવિકોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પરિક્રમાનો શુભારંભ થયા બાદ હજારો ભાવિકો પરિક્રમાના રૂટ ઉપર સેવાનું પુનિત ભાથું બાંધવા રવાના થયા હતા. હર હર મહાદેવ, જય ગિરનારીના ગગનભેદી નાદો વચ્ચે પરિક્રમા રૂટ ઉપર ભકિતભાવ ભર્યો માહોલ સર્જાયો હતો.

error: Content is protected !!