ગિરનારની લીલી પરિક્રમાનો મેળો પરાકાષ્ઠાએ : ૧ર લાખ ભાવિકો ઉમટી પડયા

0

ગિરનાર ફરતેની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધવા શ્રધ્ધાળુઓનો આ વર્ષે ભારે પ્રવાહ : ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા પરિક્રમાનો મેળો હવે અંતિમ પડાવ ઉપર

ગરવા ગિરનારની લીલી પરિક્રમા દેવ દિવાળીના દિવસથી એટલે કે ગુરૂવારથી વિધીવત રીતે શરૂ થઈ હતી. પરિક્રમા શરૂ થાય તે પહેલા વહેલા આવી પહોંચેલા હજારો શ્રધ્ધાળુઓ માટે ગેઈટ ખોલવાની ફરજ પડી હતી અને જેને લઈને અગાઉથી સંખ્યાબધ્ધ ભાવિકોએ વહેલી પરિક્રમા પુણ્ય કરી છે. દરમ્યાન ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમી અને જંગલમાં મંગલ સર્જાનારી ગિરનારની લીલી પરિક્રમા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ગઈકાલે મોડી સાંજ સુધીમાં કુલ ૧૧.૪પ લાખ જેટલા ભાવિકો ઉમટી પડયા છે. ગત બુધવારે વહેલી સવારે ૪ઃ૧પ કલાકે પરિક્રમાર્થી માટે તંત્રએ ગેઈટ ખોલી નાખ્યા બાદ ગીરી તળેટીમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. પાંચ વર્ષના બાળકથી લઈ ૮૦ વર્ષના વૃધ્ધ યાત્રિકો પણ પરિક્રમામાં આવી પહોંચ્યા હતા. રેલ્વે, એસટી બસ તેમજ ખાનગી બસો તેમજ જે કોઈ વાહન મળ્યું તેમાં ભવનાથ ખાતે માનવ મહેરામણ પહોંચી ગયો હતો અને હરભોલે જય ગિરનારના નાદ વચ્ચે પરિક્રમા શરૂ કરી દેવામાં આવી હતી. પરિક્રમાર્થીઓની સુવિધાઓ માટે ઠેર-ઠેર અન્નક્ષેત્રો પણ શરૂ કરવામાં આવ્યા છે અને પ્રેમથી પ્રસાદ-ભોજન પીરસવામાં આવે છે. રાત્રીના સંતવાણીના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને જેનો હજારો ભકતજનો લાભ લઈ રહ્યા છે. દરમ્યાન શનિ-રવિની રજાને લીધે ધસારો વધે તેવી વહિવટી તંત્રને ધારણા છે અને જેને લઈને વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિક્રમા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે અને પરિક્રમા પુર્ણ કરનાર શ્રધ્ધાળુઓ પોતપોતાના સંઘ સાથે જૂનાગઢ અને નજીકના આવેલા ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે જઈ રહ્યા છે.

error: Content is protected !!