દશ કલાકની જહેમત બાદ દિપડો પાંજરે પુરાયો
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ક્ષેત્રમાં ગિરનારની લીલી પરિક્રમાનો પાંચ દિવસીય મેળો યોજાયો છે. આ પરિક્રમા દરમ્યાન સેવાનું પુનિત બાંધવા માટે અને પુણ્ય કમાવવા માટે દુર-દુરથી ભાવિકો આવી પહોંચ્યા છે. પોતપોતાના પરિવાર સાથે આવેલા આ શ્રધ્ધાળુઓ ભજન અને ભકિત કરી રહ્યા છે. દરમ્યાન કયારેય ન બની હોય તેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. રાજુલા તાલુકાના વિકટર ગામનો એક પરિવાર પરિક્રમા કરવા આવ્યો હતો ત્યારે આ પરિવારની ૧૧ વર્ષની દિકરીને દિપડો ઉપાડી ગયો હતો અને તેને મૃત્યુંના મુખમાં ધકેલી દીધી હતી. આ ઘટનાના પગલે પરિક્રમાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરમ્યાન ભારે જહેમત બાદ દિપડાને પાંજરે પુરવામાં આવ્યો છે.
લીલી પરિક્રમામાં બોરદેવી પાસેના બાવરકાટ વિસ્તારમાં ૧૧ વર્ષિય બાળકીને દિપડાએ ફાડી ખાધી હોવાની ઘટના બનતા પરિક્રમાર્થીઓમાં ભયનું લખલખું પસાર થઇ ગયું છે. શુક્રવારે સવારે ૬ વાગ્યે લઘુશંકા કરવા ગયેલી બાળકી ઉપર દિપડાએ હુમલો કરી દીધો હતો. બાળકીની ચીસાચીસથી જાગી ગયેલો પરિવાર દિપડાની પાછળ દોડ્યો, પણ દિપડો બાળકીને લઇને જંગલમાં નાસી ગયો હતો. બાદમાં બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાથી વન તંત્રમાં ભારે દોડધામ મચી જવા સાથે આદમખોર દીપડાને પકડવા યુધ્ધના ધોરણે તૈયારી શરૂ કરી દીધી હતી. આખરે ગઈકાલે ૪ઃ૪પ કલાકે દિપડાને પાંજરામાં પુરી દેવાયો હતો. જાેકે બાળકી ઉપર હુમલો કર્યો એ જ આ દિપડો છે કે કેમ ? એ તેના મળ ઉપરથી નક્કી થશે એમ ડીસીએફ અક્ષય જાેષીએ જણાવ્યું હતું. રાજુલા તાલુકાના વિકટર ગામનો એક પરિવાર પરિક્રમા કરવા આવ્યો હતો. આ પરિવારની ૧૧ વર્ષિય દીકરી પાયલ બોરદેવી નજીકના બાવર કાટ વિસ્તારમાં વ્હેલી સવારે લઘુશંકા માટે ગઈ ત્યારે અચાનક આવી ચડેલો દિપડો પાયલને ઉઠાવીને દુર જંગલમાં લઈ ગયો હતો અને તેને ફાડી ખાધી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ દોડતો થયો હતો પરંતુ તેને માત્ર મૃતદેહ જ હાથ લાગ્યો હતો. દિકરીના કાળજું કપાવી દેનારા મોતથી પરિવારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમા પહેલા વનતંત્રએ એવો દાવો કર્યો હતો કે, પરિક્રમા રૂટ ઉપરથી વન્ય પ્રાણીઓને દુર ખસેડવામાં આવ્યા છે. સાથે ૬ રેસ્કયુ અને ટ્રેકરની ટીમ તબીબી સ્ટાફ સાથે તૈનાત રહેશે જે વન્યપ્રાણીઓનું સતત મોનીટરીંગ કરશે.
દરમ્યાન આ બનાવ અંગે મતૃક દિકરીના મામા બચુભાઈએ જણાવ્યું હતું કે, લીલી પરિક્રમા દરમ્યાન બોરદેવી વિસ્તારમાં રાત્રિ રોકાણ કર્યું હતું. વ્હેલી સવારે ૬ વાગ્યે અમે સૂતા હતા ત્યારે પાયલ જાજરૂ કરવા થોડે દુર ગઈ ત્યારે અચાનક આવી ચડેલો ખુંખાર દિપડો પાયલને ઉપાડીને જંગલમાં નાસી ગયો હતો. અમે તેની પાછળ દોટ મુકી હતી પરંતુ તે નજરે ચડયો ન હતો. બાદમાં પાયલનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
દરમ્યાન સીસીએફ કે. રમેશએ જણાવ્યું હતું કે, જયા પાયલબેન નામની ૧૧ વર્ષિય દિકરીને દિપડાએ ઉપાડી જવાની ઘટના બની છે ત્યાં વન વિભાગની ટીમને તૈનાત કરવામાં આવી છે. સાથે પરિક્રમાર્થીઓને પણ સુચના છે કે, પરિક્રમા સિવાયના જંગલ વિસ્તારના રૂટ ઉપર યાત્રાળુઓ ન જાય. દરેક યાત્રાળુઓ ધ્યાન રાખે કે તેઓ જંગલ વિસ્તારમાં પરિક્રમા કરી રહ્યા છે.
દરમ્યાન રાજુલા તાલુકાના વિકટર ગામની એક બાળકીને દિપડાએ ફાડી ખાતા વિકટર ગામ અને કોળી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. આ પરિવારને સહાય ચુકવવા રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ શોકની લાગણી વ્યકત કરી હતી અને વનમંત્રીને ટેલીફોનિક રજુઆત કરી પીડિત પરિવારને સહાય મળે તે માટે રજુઆત કરી હતી. મોડી સાંજે આ બાળકીના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામમાં લવાયો હતો.