જૂનાગઢ જીલ્લામાં વંથલીમાં બે ઈંચ, કેશોદમાં દોઢ ઈંચ, માણાવદર, વિસાવદર, મેંદરડા, માંગરોળ અને માળીયામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો : કમોસમી વરસાદથી રવિ પાકની સિઝનને મોટું નુકસાન
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે દેવ દિવાળીના દિવસથી વિધીવત રીતે શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે વરસાદનું વિઘ્ન આવ્યું હતું. જાેકે હવામાન વિભાગે તા.રપ અને ર૬ નવેમ્બર બે દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી અને શુક્રવારથી જ વાતાવરણમાં ભારે પલટાવ આવ્યો હતો. શુક્રવારે રાત્રીના સુસવાટા મારતો ફુંકાયો હતો તેમજ શનિવારે મોડી રાત્રીના વરસાદના ઝાંપટા તેમજ ગઈકાલે રવિવારે સવારે ૪ વાગ્યાથી ૯ વાગ્યા સુધી કમોસમી વરસાદ તુટી પડયો હતો. જૂનાગઢ જીલ્લામાં વંથલીમાં બે ઈંચ, કેશોદમાં દોઢ ઈંચ, માણાવદર, વિસાવદર, મેંદરડા, માંગરોળ અને માળીયામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ગિરનાર ઉપર પણ ભારે વરસાદ વરસતા પરિક્રમામાં આવેલા ભાવિકો અટકાવય પડયા હતા. કડાકાભડાકા સાથે ચોમાસું જામી ગયું હોય તેવો વરસાદ વરસ્યો હતો અને આ અચાનક આવી પડેલા વરસાદને કારણે પરિક્રમાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ અંગે વિશેષમાં મળતી વિગત અનુસાર, ગરવા ગિરનારની ૩૬ કિમીની લીલી પરિક્રમાને કમોસમી વરસાદનું વિધ્ન નડ્યું હતું. અચાનક વાતાવરણમાં પલટા સાથે શનિવારની રાત્રિના ૩ઃ૩૦ વાગ્યાથી માવઠું વરસી પડતા પરિક્રમાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને પરિક્રમાનો માર્ગ ધૂળીયો હોય માવઠું થતા ધૂળીયા માર્ગ ગારો, કિચડ વાળા બની ગયા છે. જેના કારણે સેંકડો પરિક્રમાર્થીઓને ૧૫ કિમી સુધી ગારો, કિચડ અને લપસણા માર્ગ ઉપરથી ભારે સાવચેતી પૂર્વક પસાર થવું પડ્યું હતું. અનેક પરિક્રમાર્થીઓએ નીચે પાથરવા લાવેલા પ્લાસ્ટીક-તાલપત્રીનો ઉપયોગ વરસાદથી બચવા માટે કરવો પડયો હતો. પ્લાસ્ટીક માથે ઓઢીને વરસાદથી બચવા પ્રયાસ કર્યો હતો. વરસાદના કારણે સેંકડો પરિક્રમાર્થીઓ પલળી જતા તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તેજ ગતિથી ફુંકાતો પવન, વિજળીના ચમકારા અને કડાકાને ભડાકાથી જંગલમાં બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. હજુ પણ વરસાદ વરસી પડે તો મુશ્કેલીમાં ભારે વધારો થવાની દહેશતના કારણે અનેક પરિક્રમાર્થીઓને વ્હેલી પરિક્રમા પૂર્ણ કરી લેવાની ફરજ પડી હતી. બીજી તરફ જંગલમાં પડેલા વરસાદના કારણે ૪૦ થી વધુ અન્નક્ષેત્રોના સેવાર્થીઓને પણ બપોર બાદ ભોજન સેવા આટોપી લેવાની ફરજ પડી હતી. આમ કમોસમી વરસાદ પડતા લીલી પરિક્રમાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જાેકે અનેક યુવા પરિક્રમાર્થીઓએ વરસાદની મજા માણી હતી અને વરસતા વરસાદે પણ પરિક્રમા ચાલું રાખી હતી. દરમ્યાન આરએફઓ અરવિંદ ભાલીયાએ જણાવ્યું હતું કે, લીલી પરિક્રમા કરવા અત્યાર સુધીમાં ૧૩,ર૩,૦૦૦થી વધુ ભાવિકોએ જંગલમાં પ્રવેશ કરી લીધો છે. આમાંથી ૧ર,૪૮,૦૦૦થી વધુએ લીલી પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને વતન ભણી રવાના પણ થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીયક છે કે, આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં અડચણો આવ્યા જ રાખતી હતી. બે દિવસ પહેલા જ એક માસુમ બાળકીને દિપડાએ ફાડી ખાધી હતી અને જે બનાવની શાહી સુકાઈ ન હતી ત્યાં ભેંસાણ પંથકમાં દિપડાના હુમલામાં પાંચ વર્ષની બાળાનું મૃત્યું થયું હતું. અપમૃત્યુંના બનાવો બનાવા પામ્યા છે અને ત્યાં જ ગઈકાલે વરસાદે રમાછટી બોલાવી દેતા આ વખતની પરિક્રમા ભાવિકો માટે કસોટીરૂપ રહી હતી.