જૂનાગઢ મહાનગરપાલિકાનું આગામી તા.૧૯ ડિસેમ્બરે મળનાર જનરલ બોર્ડ બનશે તોફાની

0

વોકળા પરના દબાણો, લીલી પરિક્રમા દરમ્યાન થયેલ ખર્ચ અને આવક, ગાર્બેજ કલેકશનનું વનજ પત્રક તેમજ આડેધડ થતા રોડના કામો સહિતના પ્રશ્ને વિપક્ષ ઉઠાવશે પ્રશ્ન

જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રવાહકો સામે પ્રાથમિક સુવિધાના પ્રશ્ને લોકોમાં ભારે રોષ પ્રર્વતી રહ્યો છે. ઉપરાંત તાજેતરમાં જુન માસમાં ભારે વરસાદને પગલે સર્જાયેલા જળ તાંડવના કારણે પણ અનેક ફરીયાદો ઉઠવા પામી છે. ગુજરાતના મુખ્યમંત્રી સુધી મનપાના સત્તાધીશોની કથીત કામગીરીની કથા પહોંચી ગઈ છે અને જૂનાગઢની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ વોકળા ઉપરના દબાણો દુર કરવા સુચનાઓ આપી હોવા છતાં નથી વોકળા ઉપરના દબાણો દુર થયા કે નથી સારા રસ્તા બન્યા. આ ઉપરાંત પણ જન હિતના અનેક પ્રશ્નો અણઉકેલ રહ્યા છે. જૂનાગઢ મનપાને એ પણ ખબર નથી કે આ શહેરમાં ગેરકાયદેસર દબાણો કેટલા છે અને કોણે કોણે કર્યા છે ? અથવા તો જાણતા હોવા છતાં ઢાકપીછોડો કરવામાં આવી રહ્યો છે. આવા સંજાેગો વચ્ચે આગામી તા.૧૯ ડિસેમ્બરે મહાનગરપાલિકાના જનરલ બોર્ડની મહત્વની બેઠક મળી રહી છે ત્યારે આ જનરલ બોર્ડમાં બઘડાટી બોલે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આગામી ૧૯ ડિસેમ્બર- મંગળવારે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળનાર છે. આ બોર્ડ તોફાની બની રહેવાના એંધાણ છે. કારણ કે,વોકળા પરના દબાણો, લીલી પરિક્રમામાં થયેલ ખર્ચ, આવક, ગાર્બેજ કલેકશનનું વજન પત્રક, ગેસ, પાણીની લાઇન નંખાયા વિના આડેધડ રીતે થતા રોડના કામો સહિતના પ્રશ્ને વિપક્ષ બોર્ડમાં બઘડાટી બોલાવશે. આ અંગે લલીતભાઇ પણસારાએ જણાવ્યું છે કે,૧૯ ડિસેમ્બરે જનરલ બોર્ડ મળશે જેમાં અમે વિવિધ પ્રશ્નોની રજૂઆત કરીશું. ખાસ તો ભૂગર્ભ ગટર, પાણીની લાઇન અને ગેસની લાઇન નાંખ્યા બાદ જ રોડ બનાવવા તેવો કમિશ્નર દ્વારા બાંધકામ શાખા અને વોટર વર્કસ શાખાને પરિપત્ર કરાયો છે. તેમ છતાં ચૂંટણી આવતી હોય આડેધડ રોડ બનાવાઇ રહ્યા છે, જેને બાદમાં તોડવા પડે છે. ખલીલપુર રોડ પર હનુમાન પરામાં આ રીતે રોડ બનાવી નંખાયો છે, જ્યાં પાણીની લાઇન અને ભૂગર્ભ ગટરના કનેકશનની કામગીરી બાકી છે.ત્યારે આ રીતે થતા કામથી પ્રજાના નાણાંનો વ્યય થાય છે. માટે શા માટે આ રીતે બેદરકારીથી કામ કરાય છે? જ્યારે લીલી પરિક્રમા દરમ્યાન મનપાએ કરેલ ખર્ચની વિગતો, ૨૩ થી ૩૧ નવેમ્બર સુધી લીલી પરિક્રમાને લઇ કરાયેલ ગાર્બેજ કલેકશનના વજન પત્રકો અને પ્લોટ હરરાજીથી થયેલ આવકની વિગતો મંગાશે. જ્યારે મંજુલાબેન પણસારા દ્વારા પણ પ્રશ્નો રજૂ કરાશે જેમાં વોકળા દબાણો મામલે અપાયેલ ૯૯ નોટિસો બાદ મનપા અને ડીઆઇએલઆર દ્વારા થયેલી કામગીરી, ૯૯ બાદ વધુ કેટલાને દબાણની નોટિસ આપી તેની વિગતો તેમજ મનપામાં મંજૂર થયેલા સેટઅપ મુજબ કેટલી જગ્યા ખાલી, આ જગ્યા માટે ભરતી પ્રક્રિયા ક્યા સ્ટેજે છે, હાલ કેટલા કર્મચારીઓ, કઇ જગ્યાએ, કઇ શાખામાં, કાયમી, ફિક્સ કે આઉટ સોર્સિંગથી ફરજ બજાવે છે અને એપ્રેન્ટીસથી ફરજ બજાવતા કર્મચારીઓના નામ, પોસ્ટ, ફરજ વગેરેની વિગતો પણ બોર્ડમાં મંગાશે. આમ, વિવિધ પ્રશ્ને શાસકોને બરોબરના ઘેરવામાં આવશે.

error: Content is protected !!