વિસાવદરમાંથી તરૂણીનું અપહરણ કરનાર બે શખ્સોની ગણતરીના કલાકોમાં પોલીસે કરી ધરપકડ

0

વિસાવદરની મુખ્ય બજારમાંથી તરૂણીનું અપહરણ કરનાર જૂનાગઢ રહેતા તેના ધરાર પ્રેમી અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી છે. પુછપરછ દરમ્યાન ખુલ્યું કે, તરૂણીને યુવક અગાઉ મેસે જ કરતો હતો પરંતુ તરૂણીના ઘરે જાણ થઈ જતા તરૂણીએ મેસેજ કરવાનું બંધ કરી દીધું હતું છતાં આ ધરાર પ્રેમી મેસેજ કરી ધમકી આપતો હતો. તેણે ઉશ્કેરાઈને અપહરણનો પ્લાન કર્યો હતો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદરમાં રહેતી અને ધો.૧૧માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની અન્ય ત્રણ તરૂણી ગઈકાલે સવારે શાળાએ જતી હતી ત્યારે જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા જય મયુર સુખાનંદી અને તેના મિત્ર રિયાઝ સલીમ નાગોરીએ તરૂણીને કારમાં બળજબરીપૂર્વક બેસાડી દઈ અપહરણ કરી જૂનાગઢ તરફ લઈ ગયા હતા. આ અંગે જાણ થતા પીઆઈ આર.બી. ગઢવી સહિતના સ્ટાફે ટીમ બનાવી આ કારને જૂનાગઢમાંથી પકડી લઈ તરૂણીને મુક્ત કરાવી હતી. જ્યારે જય સુખાનંદી અને તેના મિત્ર રિયાઝ નાગોરીની અટક કરી હતી. તરૂણીની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તેણીએ પોલીસને જણાવ્યું હતું કે, તે અને જય એક દોઢ વર્ષ પહેલા સોશીયલ મીડિયા ઉપર સંપર્કમાં આવ્યા હતા અને મેસેજ કરતા હતા. પરંતુ પરિવારના સભ્યોને જાણ થઈ જતા મેસેજ બંધ કરી દીધા હતા અને તરૂણીએ જય સુખાનંદીને સંબંધ રાખવા ના પાડી દીધી હતી છતાં તે મેસેજ કરતો અને સંબંધ રાખવા ધમકી આપતો હતો. તરૂણી શાળાએ ક્યારે જાય એ જયને જાણ હોવાથી ઉશ્કેરાઈ જઈ કારમાં અપહરણ કર્યાનું ખુલ્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, તરૂણી સાથે કોઈ દુષ્કૃત્ય થયું નથી છતાં સારવાર અને મેડિકલ કરાવી વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જય સુખાનંદી(ઉ.વ.૧૯) અને તેનો મિત્ર રિયાઝ નાગોરી(ઉ.વ.ર૩) મધુરમમાં રહે છે અને કારખાનામાં કામે જાય છે. આ બંનેએ તરૂણીનું અપહરણ કરવા પ્લાન કર્યો હતો અને કાર લગ્નમાં લઈ જવા માટે ભાડે કરી હતી. બંનેની વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે. સોશીયલ મીડિયા ઉપર સંપર્કમાં રહ્યા બાદ તરૂણીએ સંબંધ રાખવા ના પાડયાની બાબતથી ઉશ્કેરાયેલા યુવાને અપહરણ જેવો ગંભીર અપરાધ કર્યો હતો. સદનસીબે તરૂણી સલામત મળી આવતા પોલીસ અને તેણીના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

error: Content is protected !!