જૂનાગઢ જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓની કચેરીમાં દસ્તાવેજાે રજુ કરવામાં કેશવ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના એમડીએ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી રાજય સેવકનો ખોટો દસ્તાવેજ જમા કરાવ્યો હતો. આથી તેમના વિરૂધ્ધ પોલીસમાં જીલ્લા રજીસ્ટારના માહિતી અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળીની કચેરીના માહિતી અધિકારી હસમુખભાઈ બાબુભાઈ કમાણીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર કેશવ ક્રેડીટ કો. સોસા.ના બે વર્ષના ઓડીટ તથા કેટલીક નકલો તથા અરજીઓની તમામ નકલો પોલીસ દ્વારા અભિપ્રાય માંગ્યો હતો. દરમ્યાન કેશવ ક્રેડીટના એમડી નરેન્દ્રભાઈ ભૂતએ એક પત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વિરલભાઈ જાેટવા તથા અન્ય કેટલાક એકટીવીસ્ટોને બ્લેકમીલ કરેલા છે જે નકલ આ પત્રમાં સામેલ કરવામાં આવી છે. જેથી કચેરી દ્વારા વિરલભાઈને મુખ્યમંત્રીના પત્રના આદેશ અનુસાર બ્લેક લીસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા આવો કોઈ પત્ર જાહેર કરાવમાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. આ બોગસ પત્ર બનાવી માહિતી ન આપવાના ઈરાદે તેમજ તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું કૃત્ય કર્યું હતું. ત્યારે કેશવ ક્રેડીટ પાસે બ્લેકલીસ્ટ જાહેર કર્યાનો ખરો પત્ર માંગતા આજદીન સુધી રજુ કર્યો નથી. આમ આરોપી કેશવ ક્રેડીટ કો ઓપરેટીવ સોસા.ના મેનેજીંગ ડાઈરેકટર દ્વારા રાજય સરકારના રાજય સેવકને ખોટો પુરાવો આપી સાચો હોય તેવી રીતે રજુ કરતા તેમના વિરૂધ્ધ ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.