સ્થાયી સમિતિમાં વાઘેશ્વરી તળાવના વિકાસ માટે રૂા.૧૭ કરોડની ફાળવણી સામે અનેક સવાલ
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની ગઈકાલે એક બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી અને જેમાં એક મુદ્દો વાઘેશ્વરી તળાવનો પણ રહ્યો હતો. ભવનાથ વિસ્તારમાં આવેલા વાઘેશ્વર તળાવ માટે ૧૭ કરોડની રકમ ફાળવી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ છે. કુલ ૪૮ કરોડના વિકાસ કામોને મંજુર કરવામાં આવ્યા છે ત્યારે ફરી એકવાર શહેરની જનતામાં અનેકવિધ સવાલો ઉઠવા પામ્યા છે. લોકો છડેચોક બોલી રહ્યા છે કે, નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનના નામે કરોડોનો ધુવાડો થયો પરંતુ પરીણામ શુન્ય છે ત્યારે પૈસા લુંટવા માટે વધુ એક વાઘેશ્વરી તળાવને મોહરૂ બનાવ્યું છે તેવું જનતામાં ચર્ચાઈ છે.
મનપાની સ્થાયી સમિતિએ ગઈકાલે વિવિધ વિકાસ કામોને મંજુર કરાયા છે તેમાં વાઘેશ્વર તળાવને અધ્યતનરૂપે ડેવલોપ કરવા માટે ૧૭ કરોડ રૂપીયા ફાળવ્યા છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં ભાજપના શાસનમાં અત્યાર સુધીમાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનના નામે કરોડોના ધુવાડા થયા છે પરંતુ હજુ સુધી બ્યુટીફિકેશન થયું નથી. નરસિંહ મહેતા સરોવરના રિનોવેશનની કામગીરીમાં પણ લોટ, પાણીને લાકડા જેવો ઘાટ થયો છે અને આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ થઈ છે. જયારે દામોદર કુંડ ખાતે પણ વિકાસની કામગીરી અંતર્ગત લાખો રૂપીયાનો ધુવાડો થયો છે અને આ અંગેના પુરાવા પણ સામે આવ્યા છે પરંતુ મનપાના સત્તાધીશોને વિકાસના કામોમાં કોઈ જાતની સુઝના પડતી ન હોય તે રીતે આડેધડ નાણાંનો વેડફાટ થાય છે. આવા સંજાેગોમાં આગામી તા.ર૬મી જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે તેમની સમક્ષ અનેક પ્રશ્નોની રજુઆત કરવામાં આવનાર છે. જયાં ગટર બનાવવાની જરૂર નથી તેવા શહેના હાર્દ સમા વિસ્તાર માંગનાથ રોડમાં વેપારીઓની ના છતાં નવી ગટર બનાવવાની હીલચાલ મનપા દ્વારા ધરાર કરવામાં આવી રહી છે અને તે અંગેનો સળગતો પ્રશ્ન પણ મુખ્યમંત્રી સમક્ષ ભૂપેન્દ્રભાઈ તન્નાએ રજુ કર્યો છે અને આ વિસ્તારમાં નવી ગટર ન બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અનેક મુદ્દાઓ આજે ફરિયાદ સ્વરૂપે મનપાના સત્તાધીશો સમક્ષ આવી રહ્યા છે પરંતુ આ સત્તાધીશોને જાણે લોકોની સલામતી, સુરક્ષાની કંઈ પડી જ નથી અને એક પછી એક નવા નવા કામો કાગળ ઉપર લખી નાખી અને તે અંગેના નાણાં આડેધડ ફાળવવામાં આવી રહ્યા છે અને જેની સામે મનપાના અણધડ વહિવટ માથે તપાસ પંચ નીમવાની માંગણી ઉઠવા પામી છે.