ગિરનાર આરોહણ સ્પર્ધામાં જૂનાગઢના પરમાર લાલાએ મેળવ્યું પ્રથમ સ્થાન : સિનીયર બહેનોમાં સુરેન્દ્રનગર જીલ્લાની જાડા રિંકલે મેદાન માર્યું

0

૩૮મી ગિરનાર આરોહણ સ્પર્ધામાં ૧૧૩૭ સ્પર્ધકોએ લીધો હતો ભાગ : વિજેતા પૈકીના ૧રપ સ્પર્ધકો આગામી તા.૪ ફેબ્રુઆરીએ યોજાનાર નેશનલ ગિરનાર સ્પર્ધામાં ભાગ લેશે

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ગઈકાલે વહેલી સવારથી લોકોનો પ્રવાહ ઉમટી પડયો હતો. યુવાનોમાં જુમો, જુસ્સો અને સાહસ પ્રેરનારી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા નિહાળવાનો લ્હાવો લેવા માટે અને સ્પર્ધકોનો જુસ્સો વધારવા માટે લોકો તેમજ મહાનુભાવો ઉમટી પડયા હતા. નિરધારીત સમયે ગિરનાર આરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો અને ભાઈઓ તથા બહેનોનીટુકડીઓ રવાના થઈ હતી. બપોર સુધીમાં સ્પર્ધા પુર્ણ થઈ હતી અને ત્યારબાદ મંગલનાથ બાપુના આશ્રમ ખાતે સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે યોજાયેલી અખિલ ગુજરાત ગિરનાર સ્પર્ધામાં કુલ ર૦ જીલ્લામાંથી ૧૧૭પ સ્પર્ધકોમાંથી ૩૮ સ્પર્ધકો ગેરહાજર રહ્યા હતા અને ૧૧૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં સિનીયર ભાઈઓમાં જૂનાગઢના પરમાર લાલાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જયારે સિનીયર બહેનોમાં સુરેન્દ્રનગર જીલ્લાની જાડા રિંકલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મેદાન માર્યું હતું. ૩૮મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જાેમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ ૪ કેટેગરીમાં ૧૧૩૭ સ્પર્ધકોએ દોટ મુકી હતી. આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૩૮.૨૭ મીનીટના સમય સાથે સુરેન્દ્રનગર ના જાડા રીંકલબેને મેદાન માર્યું હતું. સીનીયર ભાઈઓમાં જૂનાગઢના પરમાર લાલાભાઈએ ૧કલાક અને ૧૪ સેકંડ ના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જયારે જુનીયર બહેનોમાં ૩૯.૨૫ મીનીટના સમય સાથે જૂનાગઢની વિધાર્થીની ગરેજા જશુબેન એ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જયારે જુનીયર ભાઈઓમાં ગીરસોમનાથના ભાલીયા સંજયભાઈએ ૧ કલાક ૫ મીનીટ અને ૧૪ સેકંડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો. જયારે સીનીયર બહેનોમાં બીજા ક્રમે કટેશીયા નીતાબેને ૩૯.૫૮ મીનીટ સાથે, ત્રીજા ક્રમે વાળા પારૂલબેને ૪૦.૩૪ મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે વાઘેલા શૈલેષભાઈ ૧ કલાક અને ૫૭ સેકંડ સાથે, ત્રીજા ક્રમે મેવાડા ધર્મેશકુમારે ૧ કલાક ૧ મીનીટ અને ૨૭ સેકંડ સાથે, જુનીયર બહેનોમાં બીજા ક્રમે કમારીયા જયશ્રી ૪૨.૦૧ મીનીટ સાથે , ત્રીજા ક્રમે પરમાર અસ્મીતા ૪૩.૫૪, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે સોલંકી દેવરાજકુમાર ૧ કલાક ૯ મીનીટ અને ૨ સેકંડ સાથે, ત્રીજા ક્રમે ગોહીલ દિગવીજયસીંહએ ૧ કલાક ૯ મીનીટ અને ૪૪ સેકંડ સાથે ગિરનાર સર કર્યો હતો. પવિત્ર ગિરનારની ભૂમીમાં સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધા અને બહેનોની સ્પર્ધાનો ૯-૩૦ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષીય સંબોધન કરતા જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ જ કઠિન છે. આજનો યુવાન દેશનું ભાવી છે. ત્યારે યુવાન જાે મજબૂત હશે તો દેશના વિકાસમાં યોગદાન આપી શકશે. તેમણે વિજેતા અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે ગિરનારને સર કરવા ૧૧૩૭ સ્પર્ધકોએ દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો સખત મહેનત અને આવડતથી નંબર મેળવે છે. આ કઠિન સ્પર્ધામાં યુવાનો જે સમય અને શક્તિ લગાવે છે તેની રાજ્ય સરકારે નોંધ લીધી છે. અને ચાલુ વર્ષથી વિજેતાઓને આપવામાં આવતી ઈનામની રાશીમાં ધરખમ વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમેશા આહવાન કરતાં હોય છે યુવાનો મજબૂત હશે તો જ દેશ મજબૂત બનશે. સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા એ કર્યુ હતું. આભાર વિધિ પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેષ ડાંગરે કરી હતી. કાર્યક્રમના આરંભે મીનરાજ સંકુલની વિધાર્થીનીઓ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યુ હતું. સ્પર્ધા દરમ્યાન તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતું.

સિનીયર ભાઈઓ ૧ થી ૩ની યાદી
૧. પરમાર લાલા ચિમનભાઈ(જૂનાગઢ) ૬૦.૧૪ મિનીટ, ર. સોલંકી શૈલેષ મનસુખભાઈ(ભાવનગર) ૬૦.પ૭ મિનીટ, ૩. મેવાડા ધર્મેશકુમાર લાખાભાઈ(ગીર-સોમનાથ) ૬૧.ર૭ મિનીટ.
જુનિયર ભાઈઓ ૧થી ૩ની યાદી
૧. ભાલીયા સંજય અરજણભાઈ(ગીર-સોમનાથ) ૬પ.રપ મિનીટ, ર. સોલંકી દેવરાજ વિજયભાઈ(દાહોદ) ૬૯.૦ર મિનીટ, ૩. ગોહીલ દિગ્વિજયસિંહ હમીરભાઈ(ગીર-સોમનાથ) ૬૯.૪૪ મિનીટ.
સિનીયર બહેનો ૧થી ૩ની યાદી
૧. જાડા રિંકલ વિનોદભાઈ(સુરેન્દ્રનગર) ૩૮.ર૭ મિનીટ, ર. ખતેશીયા નીતા રમેશભાઈ(સુરેન્દ્રનગર) ૩૯.પ૮ મિનીટ, ર. વાલા પારૂલ નારણભાઈ(ગીર-સોમનાથ) ૪૦.૩૪ મિનીટ.
જુનિયર બહેનો ૧થી ૩ની યાદી
૧. ગરેજા જશુબેન લક્ષ્મણભાઈ(જૂનાગઢ) ૩૯.રપ મિનીટ, ર.કાંબલીયા જયશ્રીબેન(જૂનાગઢ) ૪ર.૦૧ મિનીટ, ૩. પરમાર અશ્મિતાબેન ધીરૂભાઈ(ગીર-સોમનાથ) ૪૩.પ૪ મિનીટ.

error: Content is protected !!