એકટીવા ચાલકને બચાવવા જતા ડીવાઈડર કુદીને આવેલી મીની બસ મોટી બસમાં અથડાઈ અને અકસ્માત સર્જાયો
જૂનાગઢ જીલ્લાના વંથલી નજીક ગઈકાલે સાંજના સમયે બે પ્રવાસી બસ અને કાર વચ્ચે જાેરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ર૪ વિદ્યાર્થીઓ સહિત ૩૧ને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત પૈકી ૧૪ને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં જયારે ગંભીર રીતે ઘવાયેલા ત્રણને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, ગઈકાલે સાંજના પઃ૪પ વાગ્યાના અરસામાં જેતપુર-સોમનાથ હાઈવે ઉપર વંથલી નજીક બે શાળાની અલગ-અલગ બે પ્રવાસી બસ અને એક ખાનગી કાર વચ્ચે ધડાકાભેર ત્રિપલ અકસ્માત સર્જાતા હાઈવે ઉપર દોડધામ મચી જવા પામી હતી. ગ્રામજનો અને વંથલી પોલીસ સ્ટાફ, મામલતદાર સહિતનો કાફલો બચાવ કામગીરી માટે દોડી આવ્યો અને થોડી જ મીનીટોમાં પાંચ જેટલી અલગ-અલગ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તાને પ્રથમ વંથલી ત્યાર બાદ જૂનાગઢ સારવાર માટે રીફર કરાયા હતા. આ અકસ્માતમાં ર૪ વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ, શિક્ષકો, બસના ડ્રાઈવર સહિતના કુલ ૩૧ લોકોને ઈજા થયેલ હોવાનું અને ત્રણને વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યાનું સામે આવ્યું છે. જૂનાગઢના વંથલી પાસેના દિલાવરના સામે સોમનાથ હાઈવે ઉપર સાંજના સમયે અચાનક સામસામે બે ખાનગી શાળાની પ્રવાસ બસ અને એક કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આણંદના આસોદર ગામની એચ.ડી. પટેલ વિદ્યાલયની પ્રવાસની બસમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સોમનાથ દર્શન કરીને જૂનાગઢ તરફ આવી રહ્યા હતા તો સામેથી જૂનાગઢ તરફથી પોરબંદરના બળેજ ગામની શાળાની પ્રવાસ બસ માંગરોળ તરફ જતી હતી. ત્યારે બંને બસ અને એક ખાનગી કાર વચ્ચે અકસ્માત થતા હાઈવે ઉપર વાહનો થંભી ગયા હતા. અને આસપાસના ગ્રામજનો અને વંથલી પોલીસ પીએસઆઈ વાય.બી. રાણા, મામલતદાર ડી.જે. જાડેજા સ્થળ ઉપર દોડી આવ્યા હતા. લોકોએ તાકીદે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બહાર કાઢીને ૧૦૮ને ફોન કરીને એમ્બ્યુલન્સમાં પ્રથમ વંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા. જેમાંથી ગંભીર રીતે ઘવાયેલા ૧૧ વિદ્યાર્થીની સહિત ૧૭ લોકોને એમ્બ્યુલન્સમાં જૂનાગઢ સિવીલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. અહીં સિવીલ હોસ્પિટલમાં અકસ્માતના સમાચાર મળતા તમામ ઈમરજન્સી તબીબી, નર્સ સ્ટાફ સ્ટ્રેચર સહિતની સામગ્રી સાથે સજ્જ થયેલ અને એકપછી એક આવતી એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર કેન્દ્રમાં ખસેડી સારવાર શરૂ કરી હતી. આ તકે સિવીલ હોસ્પિટલના મેડીકલ સુપરીન્ટેન્ડન્ટ ડો. કૃતાર્થ ભહ્મભટ્ટ હાજર રહ્યા હતા. જૂનાગઢ સિવીલ ખાતે કુલ૧૭ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક વિદ્યાર્થીની સહિત ત્રણને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. જયારે અમુક વિદ્યાર્થીઓ જે પોરબંદરના બળેજ શાળાના હતા તેઓને વંથલી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ અનેક વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપીને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અકસ્માતમાં કુલ ર૪ વિદ્યાર્થી, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડ્રાઈવર સહિત આશરે ૩૧ જેટલા લોકોને ઈજાઓ થયાનું સામે આવ્યું છે. અકસ્માતના પગલે વંથલી પોલીસ દ્વારા હાઈવે ઉપર તાકીદે ક્રેઈન મંગાવીને અકસ્માતગ્રસ્ત બંને બસને રસ્તા ઉપરથી ખેંચીને સાઈડમાં લગાવી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, એક બસનો તો બુકડો બોલી ગયો હતો. જયારે એક બસના નીચેના ભાગે નુકસાન થયું હતું. જયારે કારનો આગળનો ભાગ તુટી ગયેલ હતો. વધુમાં આણંદની આસોદર ગામની શાળામાં ધોરણ ૧૦ વિદ્યાર્થીઓનો પ્રવાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત ૧૧ વિદ્યાર્થીની પૈકી રીયા હિતેશભાઈ પઢીયાર(ઉ.વ.૧૬)ને માથામાં હેમરેજ જેવી ઈજાઓ અને જમણી આંખમાં ગંભીર ઈજા થવાથી આંખ ગુમાવી હોવાનું પ્રાથમિક તબ્બકે જણાવ્યું હતું. તેને રાજકોટ રીફર કરવામાં આવી હતી. જયારે અન્ય બે ગંભીર દર્દી જેમાં મુળુભાઈ વાસણ(ઉ.વ.પ૯, માધવપુર) અને નાથાભાઈ કાથડ(ઉ.વ.૩૦, આજક, માંગરોળ)ને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજાઓ થતા બંનેને રાજકોટ રીફર કર્યા હતા.
જૂનાગઢ ખસેડાયેલા ઈજાગ્રસ્તોના નામ
(૧) નેહા પ્રકાશભાઇ પરમાર (ઉ. ૧૫, રે. આસોદર), (૨) અંજલી મનુભાઇ પરમાર (ઉ. ૧૬, રે. આસોદર), (૩) ઇશા મુકેશભાઇ પટેલ (ઉ. ૧૫, રે. આસોદર), (૪) કાજલ મહેશભાઇ ગોહેલ (ઉ. ૧૬, રે. આસોદર), (૫) પરેશ રાજુભાઇ રાણા (ઉ. ૩૬, રે. આંકલાવ), (૬) પીનલ અરવિંદભાઇ મેઘા (ઉ. ૫૦, રે. આણંદ), (૭) ભારતી અશોકભાઇ પઢિયાર (ઉ. ૧૫, રે. આસોદર), (૮) ભૂમિકા સુનિલભાઇ (ઉ. ૧૫, રે. આસોદર), (૯) ગ્રીષ્મા રાજેશભાઇ (ઉ. ૧૫, રે. આસોદર), (૧૦) ધ્રુવી અમિતભાઇ જાદવ (ઉ. ૧૫, રે. આસોદર), (૧૧) કિર્તિ ગણપતભાઇ (ઉ. ૧૫, રે. આસોદર), (૧૨) મમતા વિક્રમભાઇ (ઉ. ૧૫, રે. આસોદર), (૧૩) ધવલ બેચરભાઇ કાવડ (ઉ. ૮, રે. અજાેઠ), (૧૪) બેચરભાઇ માધાભાઇ કાવડ (ઉ. ૩૮, રે. અજાેઠ), (૧૫) મૂળુભાઇ દુદાભાઇ વાસણ (ઉ. ૫૫, રે. માધુપુર), (૧૬) નાથાભાઇ માધાભાઇ કાવડ (ઉ. ૩૦, રે. આજાેઠ), (૧૭) રીવા હિતેષભાઇ પઢિયાર (ઉ. ૧૬, રે. આસોદર)નો સમાવેશ થાય છે. વધુમાં આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.