માંગનાથ વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી સામે જનતાનો રોષ ત્યારે જુની ગટરનાં ઢાંકણા ફીટ કરવામાં ફાફા છે અને ત્યારે મનપાના સત્તાધીશોની ધરાર ગટર બનાવવાની કામગીરી સામે લોકો ઉતરી જશે રસ્તા ઉપર

0

જૂનાગઢ શહેરના માંગનાથ વિસ્તારમાં હયાત ગટર બિલકુલ સારી સ્થિતીમાં હોવા છતાં અઢળક ખર્ચો કરવા માટે મનપાના પદાધિકારીઓ મેદાને આવ્યા છે. ત્યારે લોકોનું કહેવું છે કે, પદાધિકારીઓને એવું લાગે છે કે, આ અમારી છેલ્લી ટર્મ છે. વિશેષમાં એકતરફ વેપારીઓ અને આમ જનતા અહીં ભુગર્ભ ગટર નવી કરવાની કોઈ જરૂર નથી અને તમારે જાે ખરેખર વિકાસ કરવો હોય તો અન્ય વિસ્તારમાં જુદા જુદા કામો માટે વિકાસ કરવાની રજુઆત કરી રહયા છે. પરંતુ મનપા તંત્ર નાગરીકોની આ રજુઆતને કાને ધરતા નથી. એટલું જ નહીં રર મી જાન્યુ.એ ભુગર્ભ ગટરની કામગીરીની શરૂ કરવાની સંભાવના છે. ત્યારે તેની સામે લોકોનો પુણ્ય પ્રકોપ પણ ફાટી નીકળશે અને ભારે ઘર્ષણ થવાની શકયતા નકારી શકાતી નથી.
જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ધરાર કરવામાં આવતી ભુગર્ભ ગટરની કામગીરી સામે જનતામાંથી રોષ ફાટી નીકળ્યો છે. બે દિવસ પહેલા અંબિકા ચોક અને નાગર રોડના રહેવાસીઓ ભુગર્ભ ગટરની કામગીરીના વિરોધમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ભારે ધમાસણ મચી ગયું હતું. ભુગર્ભ ગટર મામલે પ્રજા સાથે અશોભનીય વર્તાવ ડે. મેયરે કરેલો. શહેરભરમાં આ બાબત ચર્ચાનો વિષય બની હતી. અને વિડીયો પણ વાયરલ થતા ઉચ્ચકક્ષાએ બેઠેલા ભાજપના મોવડી મંડળ પણ ચોકી ઉઠયું હતું. ભુગર્ભ ગટરનો પ્રશ્ન જૂનાગઢ શહેરમાં પેચીદો બનતો જાય છે. આ દરમ્યાન અગાઉ માંગનાથ વિસ્તારમાં પણ ભુગર્ભ ગટરની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવતા તેનો વેપારીઓ અને ખુદ ભાજપના જ કોર્પોરેટર દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. રામધુન અને ધરણા સહિતના કાર્યક્રમો અપાયા હતા. આ બનાવમાં માંડ મામલો થાળે પડયો હતો. પરંતુ પછી આજ વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી સામે મનપા તંત્ર અને નાગરીકો વચ્ચે ઘર્ષણ થવાના સંકેતો મળી રહયા છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણીએ ગત તા.રર-૧ર-ર૩ ના રોજ મહાનગરપાલિકાના કમિશ્નરને એક વિસ્તૃત પત્ર પાઠવ્યો હતો. અને આ પત્રમાં વોર્ડ નં.૧૦ માં આવેલા જુદા જુદા વિસ્તાર જેવા કે માલીવાડા રોડ, હવેલી ગલી, પંચહાટડી ચોકથી, દાણાપીઠ, આઝાદ ચોક સુધી અને માંગનાથ એરિયો માઢ સ્ટ્રીટ અને દાણાપીઠથી પંચહાટડી સુધી આ વિસ્તારમાં નવાબના સમયકાળથી સારી બાંધકામ વાળી ગટરો આવેલી છે અને ચાર ફુટ પહોળી અને ૬ ફુટ ઉંચી ગટરો આવેલી છે. છેલ્લા ૪૦ વર્ષમાં અહીં કયારેય ગટર ઉભરાણી નથી કે બીજી કોઈ ફરીયાદ થઈ નથી. આ વિસ્તારમાં અગાઉ પણ ગટરની કામગીરી કરવામાં આવેલી છે. જૂનાગઢના આ હાર્દ સમા માંગનાથ વિસ્તારમાં હયાત જે ગટર છે તે સારી સ્થિતીમાં જ છે અને નાગરીકોને કોઈ જાતની તકલીફ કે ફરીયાદ ઉભી થઈ નથી. અને ભવિષ્યમાં પણ તકલીફ પડે એવી શકયતા નથી. પરંતુ તેમ છતાં મનપાના તંત્રવાહકો, પદાધિકારીઓ અહીં ફરી ભુગર્ભ ગટર બનાવવાની કામગીરી હાથમાં લઈને બેઠા છે. ભુગર્ભ ગટરના નામે જૂનાગઢમાં મોટાપાયે ભાંગફોડની પ્રવૃતિ ચાલી રહી છે અને કહેવાતા આ વિકાસમાં પ્રજાના પૈસાનો દુરૂપયોગ કરવામાં આવી રહયો હોવાની ચોંકાવનારી વિગતો પણ લોકોમાં ચર્ચાય છે. વોર્ડ નં.૧૦ના હિતેન્દ્રભાઈ ઉદાણીએ કમિશ્નરને લખેલા પત્રમાં વિસ્તૃત મુદાઓની છણાવટ પણ કરી હતી અને કલોથ એન્ડ રેડીમેઈડ એસો.ના ભુપેન્દ્રભાઈ તન્નાએ પણ આ પત્રને સહયોગ આપતો પત્ર સંયુકત રીતે પાઠવેલ છે અને આ વિસ્તારમાં ભુગર્ભ ગટર ન કરવા રજુઆતો કરવામાં આવી છે. તો બીજીતરફ આધારભુત રીતે ચર્ચાતી વિગત અનુસાર આગામી તા.રર જાન્યુ.થી આ જ વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી કરવા માટે મનપા તંત્ર સજજ બની ગયું છે. તો તેની સામે માંગનાથ વિસ્તારના રહેવાસીઓ, વેપારીઓ અને નાગરીકો આ ભુગર્ભ ગટરના કામો ભારે વિરોધ કરવાના છે ત્યારે મોટેપાયે ઘર્ષણ થાય તેવી સંભાવના છે. બીજીતરફ આગામી તા.ર૬મી જાન્યુ.ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢના મહેમાન બની રહયા છે ત્યારે તેમની સમક્ષ પણ જૂનાગઢ શહેરના લોકોની સમસ્યાઓ તેમજ ભુગર્ભ ગટર કાંડ બાબતે પણ રજુઆતો થવાની છે. અને તેના આગામી દિવસોમાં જ ગંભીર પરિણામો જૂનાગઢ શહેરના પેધી ગયેલા કહેવાતા પ્રજાના સેવકોને ભોગવવા પડે તો નવાઈ નહીં.

error: Content is protected !!