પ્રસ્થાન ગ્રુપ દ્વારા ગિરનારી ગ્રુપને મેડિકલ સર્જીકલ સાધનો આપવામાં આવેલ
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તાજેતરમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગિરનારી ગ્રુપ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને ગૌમાતાઓને લાડુઓનું વિતરણ, ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં નાના નાના ભૂલકાઓને મમરાના લાડુ, ચીક્કી, ફ્રુટ સહીત અનેક વસ્તુઓનું તથા ૨૬ જેટલા જરૂરીયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. જયારે પ્રસ્થાન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “હાથ સે હાથ મિલાઓ” પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સંસ્થાનાં સભ્યો દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી અપીલ કરી લોકો પાસેથી આર્થિક સહયોગ પેટે ફંડ એકત્ર કરી પોતાનાં ભંડોળમાંથી ૫૦% રકમ ઉમેરી દર્દીઓ તથા દિવ્યાંગો માટે ઉપયોગી એવા સર્જિકલ સાધનો જૂનાગઢની સેવાભાવી સંસ્થા ‘ગિરનારી ગ્રુપ’ તથા મેંદરડા પાસે આવેલ સમઢિયાળા ખાતે આવેલ દિવ્યાંગ બાળકોની સંસ્થા ‘શ્રીજી ચેરીટેબલ ટ્રસ્ટ’ને અર્પણ કરવામાં આવેલ હતા અને શાંતિ ક્લિનિક સારવાર તથા નિદાન કેન્દ્રના ડો. ચાંદની ઘેરવડા દ્વારા ગિરનારી ગ્રુપના માધ્યમથી મરણોત્તરનો સામાનમાં આવતું કફન અર્પણ કરવામાં આવેલ હતું. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ગિરનારી ગ્રુપના સમીરભાઈ દવે, દેવાંગભાઈ પંડ્યા, દિનેશભાઈ રામાણી, કિર્તીભાઈ પોપટ, નરેન્દ્રસિંહ ચુડાસમા, લલીતભાઈ ગેરીયા, સંજયભાઈ મહેતા, ભાર્ગવભાઈ દેવમુરારી, રાહુલભાઈ ભટ્ટ, સમીરભાઈ ઉનડકટ, હરીશભાઈ કારીયા, કિરીટભાઈ તન્ના, નિપુણભાઈ સાપરીયા સહિતના લોકોએ ભારે જેહમત ઉઠાવી હતી. આ સત્કાર્યમાં જે જે લોકોએ તન, મન અને ધનથી સહયોગ આપેલ છે. તે બધા જ નો ગિરનારી ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે તેમ યાદીના અંતે જણાવેલ હતું.