૭૫માં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ઊજવણી નિમિત્તે જૂનાગઢમાં આગામી તા.ર૩મી જાન્યુઆરીએ મેઘાણી વંદના કાર્યક્રમ અંતર્ગત કસુંબલ ડાયરાનું આયોજન

0

ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, હરિસિંહ સોલંકી, પંકજ ભટ્ટ રમઝટ બોલાવશે

૭૫માં પ્રજાસત્તાક દિવસની જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ઊજવણી નિમિત્તે ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ને મંગળવાર સાંજે ૫ઃ૩૦ કલાકે -શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે મેઘાણી વંદના(કસુંબલ લોકડાયરો)નું ભવ્ય આયોજન કરાયું છે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય ઉપક્રમે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી(મો.૯૮૨૫૦૨૧૨૭૯) સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકા, જૂનાગઢ જિલ્લા પોલીસ અને ગ્રંથાલય નિયામકની કચેરીનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં જૂનાગઢ સાથે અનેક લાગણીસભર સંભારણાં છે તેથી આનું સવિશેષ મહત્વ છે. ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, હરિસિંહ સોલંકી અને પંકજ ભટ્ટ રમઝટ બોલાવશે. ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો રજૂ થશે. આ કાર્યર્ક્મનું ઈન્ટરનેટ ુુુ.ીીદૃીહંજ.ંદૃ/દ્બીખ્તરટ્ઠહૈ ઉપર જીવંત પ્રસારણ પણ માણી શકાશે. આઝાદ ચોક સ્થિત ઐતિહાસિક સરકારી પુસ્તકાલય ખાતે મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના તેમજ ૨૩થી ૨૬ જાન્યુઆરી સવારે ૧૦ઃ૩૦થી સાંજના ૬ઃ૦૦ વાગ્યા દરમ્યાન ગાંધી-સાહિત્ય, મેઘાણી-સાહિત્ય અને સ્વાતંત્ર્ય-સંગ્રામના પ્રેરક પુસ્તકોનું પ્રદર્શન પુસ્તક પ્રદર્શનનું આયોજન ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે. તે સમયના આ બહાદુરખાનજી પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણી વાંચન અર્થે જતા. ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલાં આર્થિક-સામાજિક વંચિત કારીગર ભાઈઓ-બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત થાય તે આશયથી ખાદી ઉત્સવ અંતર્ગત ખાદી-ગ્રામોદ્યોગનાં પ્રદર્શન-વેચાણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલિત ખાદી ગ્રામોદ્યોગ ભંડાર (તળાવ દરવાજા) તથા ગ્રામભારતી સંચાલિત ખાદી ગ્રામોદ્યોગ ભવન (આઝાદ ચોક) ખાતે ખાદીની ખરીદી ઉપર વિશેષ વળતર આપવામાં આવશે. પોતાની કર્મભૂમિ રાણપુર સ્થિત ફૂલછાબ પ્રેસમાં ઝવેરચંદ મેઘાણીએ તે સમયે ખાદી ભંડારની સ્થાપના કરી હતી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં જૂનાગઢ સાથેનાં લાગણીસભર સંભારણાં
સંસ્કૃત ઝવેરચંદ મેઘાણીનો અતિ પ્રિય વિષય. તે વખતે કાઠિયાવાડમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સંસ્કૃતના અધ્યાપન માટે સુખ્યાત હતી. પ્રો. મહાદેવ મલ્હાર જાેશી જેવા સંસ્કૃતના પ્રખર વિદ્વાન તે વખતે અહીં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા. આથી પ્રેરાઈને ૧૯૧૫માં સંસ્કૃતના સઘન અભ્યાસ અર્થે એક સત્ર માટે બહાઉદ્દીન કૉલેજમાં જાેડાયા. ધૂમકેતુ ત્યાં એમના સહાધ્યાયી હતા. આઝાદ ચોકમાં આવેલ તે સમયના બહાદુરખાનજી પુસ્તકાલય (હાલ સરકારી પુસ્તકાલય)માં વાંચન અર્થે જતા. જૈન-કુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણી કોલેજ-અભ્યાસ દરમ્યાન કાળવા ચોક પાસે આવેલ દશા શ્રીમાળી વણિક વિદ્યાર્થી ભવનમાં રહ્યા હતા. એ હકીકતનો પુરાવો આજ પર્યન્ત કાળજીપૂર્વક સચવાયેલા સંસ્થાના ૧૯૧૫-૧૯૧૬ના અહેવાલ(ક્ર્માંક ૩૩)માંથી પ્રાપ્ત થયેલ છે. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠ તારાં વહેતાં પાણી, રા ગંગાજળિયો, સોરઠી સંતો, પુરાતન જ્યોત જેવાં એમનાં લોકપ્રિય પુસ્તકોમાં આલેખાયેલા અનેક પ્રેરક પ્રસંગોની પૃષ્ઠભૂમિ જૂનાગઢ જિલ્લો છે. આ લાગણી સભર સંભારણા રહેલા છે. ત્યારે મેઘાણી વંદના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે તેમ પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન(મો.૯૮૨૫૦૨૧૨૭૯)એ જણાવેલ છે.

error: Content is protected !!