બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

0

અયોધ્યા ખાતે ઉજવાનાર શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તેના વિવિધ કાર્યક્રમો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ત્યારે “જૂનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર” દ્વારા પણ ગઈકાલે સાંજે શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં અંજલિ રૂપે સુંદર ભવ્ય કાર્યક્રમ દબદબા પૂર્વક ઉજવાઈ ગયો હતો. શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જૂનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી વિશિષ્ટ સભામાં પૂજ્ય કોઠારી ધર્મવિનય સ્વામીએ સભા સમક્ષ શ્રીરામચંદ્ર ભગવાનના ગુણાનુવાદ ગાયા હતા અને ત્યારબાદ પૂજ્ય સંતો મહાનુભાવો તથા સમગ્ર સભાજનો શિખરબદ્ધ મંદિરના અગ્રભાગમાં એકત્રિત થયા હતા. જ્યાં મંદિરના મુખ્ય પોર્ડીયમમાં શ્રી રામચંદ્ર ભગવાનની છ ફૂટના કદની ભવ્ય મૂર્તિ પધરાવવામાં આવી હતી. ઉપસ્થિત સંતો મહાનુભાવોએ શાંતિપાઠ અને મંત્ર પુષ્પાંજલિના વૈદિક ગાન વચ્ચે શ્રી રામચંદ્ર ભગવાનનું કુમકુમ અક્ષત્‌ પુષ્પો વડે પૂજન વંદન કર્યું હતું અને ત્યારબાદ સુંદર દીપમાળાઓ વચ્ચે શ્રી રામચંદ્ર ભગવાનની મહા આરતી ઉતારવામાં આવી હતી. આ સાથે સમગ્ર મંદિર પરિસરમાં શ્રીરામની ચિત્રાકૃતિ વાળા સુંદર ભગવા ધ્વજાે લહેરાવવામાં આવ્યા હતા તથા ફુલતોરાથી શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે મંદિરમાં ઠાકોરજી સમક્ષ પણ ફુલતોરાના શણગાર સજવામાં આવ્યા હતા તથા દીપમાળા પણ પુરાઈ હતી. સમગ્ર ઉત્સવમાં સત્સંગીજનો તેમજ ભાવિક જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

error: Content is protected !!