૨૪ જાન્યુઆરી : રાષ્ટ્રીય બાલિકા દિવસ : વહાલી દીકરીને શિક્ષિત, સુપોષિત, સમર્થ બનાવી : સશક્ત સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગિતા અર્થે સરકાર કટિબદ્ધ

0

લોકશાહીની સંસદીય પ્રણાલીઓથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા ગુજરાત સરકાર દ્વારા “બાલિકા વિધાનસભા”નું વિશેષ આયોજન : રાજકોટનાં ગોંડલ તાલુકાનું પાટીદડ” રાજ્યનું એકમાત્ર “દીકરી ગામ”, જ્યાં ૧૦૦% ઘરો ઉપર લાગી છે દીકરીઓના નામની તકતી

દીકરીઓનું ભવિષ્ય ઉજ્જ્‌વળ બને તે માટે સતત પ્રયત્નશીલ સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તર ઉપર દીકરીઓના વિકાસને એક અભિયાન રૂપે સ્વીકારીને દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ “રાષ્ટ્રીય બાલિકા દિવસ” ભારતભરમાં ઉજવવામાં આવે છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૦૮ થી શરૂ થયેલા આ અભિયાનનો ઉદ્દેશ દીકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દીકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવી દેશની બાળકીઓને દરેક મામલે વધુને વધુ સહયોગ અને સુવિધા પૂરી પાડવાનો છે. રાષ્ટ્રીય દીકરી દિવસ નિમિત્તે દીકરીઓના મહત્વને દર્શાવવા, બેટી બચાવો, બેટી પઢાઓ ઝૂંબેશ, યોગ્ય જાતિ ગુણોત્તર, સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા, મહિલાઓને શિક્ષણ, રોજગાર, વહીવટી પ્રક્રિયાઓમાં ભાગીદાર બનાવવા, રાજકીય ક્ષેત્ર સાથે જાેડવા જેવા હેતુઓ સાથે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી સમાજના નાગરિકોમાં દીકરીઓ પ્રત્યેની સંકુચિત માનસિકતામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ મુજબ મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યો, નવતર પહેલો હેઠળ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. દીકરીઓના મહત્ત્વને સમજીને સરકારશ્રી દ્વારા દરેક જગ્યાએ મહિલા અનામતને પ્રાધાન્ય આપી સરકારમાં પણ મહિલાઓને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. નવું સંસદભવન શરૂ થતાની સાથે જ કામકાજના પ્રથમ દિવસે સરકાર દ્વારા ” નારી શક્તિ વંદન બિલ” એટલે કે “મહિલા આરક્ષણ બિલ” પસાર કરવામાં આવ્યું. જેના થકી હવે સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામતનો લાભ મળશે. રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનું યોગદાન પુરુષો જેટલું જ મહત્વનું છે ત્યારે દીકરીઓ પાસે પણ ર્નિણય લેવાનો અધિકાર હોવો જાેઈએ. લોકશાહીની સંસદીય પ્રણાલી વિદ્યાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચે તથા રાજનીતિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધે અને જાગૃતતા આવે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે બાલિકાઓ માટે વિધાનસભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિગત અસ્થિરતાના ઉભા થયેલા પ્રશ્નને લઈને સ્ત્રીભ્રુણ હત્યા નાબૂદી અને કન્યા કેળવણીના અનેક કાર્યક્રમો શરૂ કર્યા હતાં, ત્યારબાદ સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રુણ હત્યા અટકાવવા માટે દુરંદેશી વડાપ્રધાનએ ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના રાષ્ટ્રીય કક્ષાએ શરૂ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓને પ્રોત્સાહન આપવાની નવતર પહેલના ભાગરૂપે ગુજરાતમાં “દિકરી ગામ”નાં સર્વપ્રથમ પાયલટ પ્રોજેક્ટ તરીકે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના “પાટીદડ” ગામને “દીકરી ગામ” તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. રાજ્યનું આ એકમાત્ર એવું ગામ છે, જ્યાં જેમના ઘરે દીકરી છે, ત્યાં દીકરીના નામની “તકતી” ઘરની બહાર લગાવવામાં આવી છે. આ ગામમાં રાજકોટ જિલ્લાની પ્રથમ કુલ ૧૦ સભ્યોની સમરસ બાલિકા પંચાયતની સાથે ગઠબંધિત વિલેજ ટાસ્ક ફોર્સ કમિટી મહિલાઓના શિક્ષણ, આરોગ્ય, બાળ અને માતા મૃત્યુદર ધટે તે માટે જનજાગૃતિ, પોષણ સહિતના સર્વાંગીણ વિકાસમાં હિતલક્ષી કાર્યો કરી કુપોષણમાં નહીં, પણ સુપોષણમાં પ્રથમ ક્રમાંક સાથે ૧૦૦% બાળલગ્ન મુક્ત ગામ છે. દિકરીની ચિંતા હવે માત્ર તેના પરિવાર પૂરતી સમિતિ નથી રહી, દેશની સરકાર પણ હવે દીકરીઓની દરકાર લઈ રહી છે. દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અમલી યોજનાઓ જેવી કે, બેટી બચાવો-બેટી પઢાવો, બાલિકા સમૃદ્ધિ યોજના, શિષ્યવૃતિ યોજના, સરસ્વતી સાધના યોજના, વ્હાલી દિકરી યોજના, કિશોરી સશક્તિ યોજના, ચિરંજીવી યોજના, ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે સેમીનાર, દીકરીઓમાં કુપોષણ ઘટે તે માટે પોષણ કીટ સાથે જરૂરી દવાઓ, મહિલાલક્ષી કાયદાનું જ્ઞાન, સખી વન સ્ટોપ સેન્ટર, નારી અદાલત, નારી સંરક્ષણ ગૃહ-કેન્દ્ર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે ‘શી ટીમ’ સહિત અનેક પ્રકારે સચોટ કામગીરી થઈ રહી છે. દરેક સ્ત્રી પ્રથમ એક દીકરી છે, દીકરીઓ આપણાં સમાજનું અને દેશનું ભવિષ્ય છે. “રાષ્ટ્રીય દીકરી દિવસ” પર પરિવારમાં દીકરી જન્મને વધાવી, દીકરીઓના સમ્માન અને સશક્તિકરણનો સંકલ્પ કરી “દીકરી બચાવીએ, દીકરી ભણાવીએ, સમાજની પ્રગતિનો માર્ગ અપનાવીએ.”

error: Content is protected !!