જૂનાગઢ એસઓજી પીઆઈ અને એએસઆઈ સસ્પેન્ડ : મેંગ્લોરના વેપારીને રૂબરૂ બોલાવીને પૈસાની માંગણી કરી હોવાનો આક્ષેપ

0

જૂનાગઢ એસઓજીનાં પીઆઇ એ.એમ.ગોહિલ અને એએસઆઇ ડી.જે. જાનીને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બંને પોલીસ અધિકારીને ડીઆઇજી નિલેશ જાજડીયાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. ઓન લાઈન ફ્રોડ આચરવામાં આવ્યાં હોય એવા શંકાસ્પદ વ્યવહારોવાળા ૩૨ જેટલા બેંક ખાતા જૂનાગઢ એસઓજી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જેમાં મેંગલોરનાં એક વેપારીનું બેંક ખાતુ કરવામાં આવ્યું હતું આથી આ વેપારીએ પોતાનું બેંક ખાતું અનફ્રીઝ કરાવવા માટે એસઓજીનો સંપર્ક કર્યો હતો. આથી, તેમની પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી. આ અંગે મેંગ્લોરનાં વેપારીએ ડીઆઇજી નિલેશ જાજડીયાને અરજી કરતા ખાતાકીય તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. ખાતાકીય તપાસમાં વિક્ષેપ આવે નહી તે માટે ડીઆઇજી જાજડીયાએ તાત્કાલીક અસરથી એસઓજીના પીઆઇ એ. એમ. ગોહિલ અને એએસઆઇ દિપક જાનીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. હાલ આ કેસમાં ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. ડીઆઇજી દ્વારા સસ્પેન્શન સુધીના કડક પગલાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. દરમ્યાન આ અંગે જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયાએ જણાવ્યું હતું કે, “મેંગ્લોરથી અહીંયા બોલાવીને એકાઉન્ટ અનફ્રિઝ માટે પૈસાની માગણી કરવામાં આવી હોવાનું અરજદારનું કહેવું છે. એમની પાસે રેકોર્ડિંગ સહિતનો કોઈ પુરાવો નથી પણ એક સાથે આટલા એકાઉન્ટ ફ્રીઝ કર્યા એટલે કંઈક ગેરકાયદે હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. અત્યારે તો બેંક એકાઉન્ટના ખાલી નંબર જ છે. આ એકાઉન્ટ કોના છે, કઈ બેંકના છે એ બધું જ હજુ તપાસવાનું બાકી છે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!