ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજી માતાજીના પ્રાગટય મહોત્સવની આજ તા.રપ જાન્યુઆરી ગુરૂવારના રોજ પોષી પૂનમના દિવસે ભકિતભાવપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને વહેલી સવારથી જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગિરનાર ઉપર બિરાજમાન માતા અંબાજી માતાજીના પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીના પ્રાગટ્ય મહોત્સવે મંદિરના શ્રીમહંત મોટા પીરબાવા પૂજ્ય તનસુખ ગીરીબાપુ અને નાના પીર હિમાંશુ ગીરીબાપુની નિશ્રામાં માઈ ભક્તોની હાજરીમાં માતાજીને વિશેષ સિંગાર સાથે શ્રીસુક્તના પાઠ, હોમ, હવન, ગંગાજળ, દૂધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત બપોરે મહા આરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. આજે સવારના ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં માતાજીના ભકતો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો.