વેરાવળ ભાલપરાના ઈસમને ચેક રિટર્ન કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે બે વર્ષનો કેદની સજા ફરમાવી

0

આરોપી ચુકાદા સમયે હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરંટ પણ ઇસ્યુ કરાયું

વેરાવળમાં મિત્રને પિતાના અવસાન સમયે અંતિમવિધી માટે નાણાંની જરૂરીયાતમાં મદદરૂપ થનાર મિત્રને નાણાં પરત ન કરનાર ઈસમને વેરાવળ કોર્ટે બે વર્ષની કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વેરાવળના રહીશ સલીમભાઈ અબ્દુરહીમ ચૌહાણે ભાલપરા ખાતે રહેતા તેના મિત્ર કમલેશપુરી ઈશ્વરપુરી ગૌસ્વામીને તેના પિતાના અવસાન થયેલ હોય તેની અંતિમવિધી માટે નાણાંની જરૂરીયાત હોવાથી બે લાખ રૂપિયા હાથ ઉછીના આપેલ પરંતુ હાથ ઉછીના રૂપિયા પરત ના આપતા અને રકમના બદલામાં આપેલ ચેક વસુલાત માટે નાંખતા ચેક પાછો ફરેલ બાદ તેના વકીલ મારફત નોટીસ કરેલ પરંતુ આરોપી કમલેશપુરી ઈશ્વરપરી ગૌસ્વામીને બે લાખની લેણી રકમ પાછી આપેલ નહી જેથી ફરીયાદીએ, વેરાવળના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સી.જી. દેસાઈની કોર્ટમાં આરોપી કમલેશપુરી ઈશ્વરપુરી ગૌસ્વામીની સામે ધી.નેગોશીએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબનો ફોજદારી કેસ દાખલ કરેલ હતો. દરમ્યાન સદરહુ કેસ ચાલી જતાં ફરીયાદીનાં વકીલ વિજયકુમાર સી.માવઘીયાની દલીલ ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપી કમલેશપુરી ઈશ્વરપુરી ગોસ્વામીને તકસીરવાન ઠરાવી ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૫૫(૨) અન્વયે ધી.નેગો.ઈન્સ્ટ્રૂમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી ૨ (બે) વર્ષની સાદીકેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે. તેમજ ક્રિ.પો.કોડની કલમ ૩૫૭(૩) અન્વયે આરોપીને એવો આદેશ કરવામાં આવે છે કે, તેમણે અંકે રૂપિયા બે લાખ પુરા આ કામનાં ફરીયાદીને વળતર પેટે એક માસમાં ચુકવી આપવા અને વળતરની રકમ ન ચુકવે તો વધુ ૬ (છ) માસની કેદની સજા અલગથી ભોગવવા હુકમ કરેલ છે. આ ઉપરાંત આ કામનાં આરોપી સજા અંગેનો ચુકાદો સંભળાવતા સમયે ગેરહાજર રહેલ હોય જેથી આરોપી વિરૂધ્ધ ફોજદારી કાર્યરીતી સંહીતાની કલમ ૪૧૮(૨) સાથે કલમ-૭૦ અન્વયે વોરંટ જારી કરવાનો હુકમ પણ કરવામાં આવેલ તેથી આરોપી સામે સજા વોરંટ કાઢી પોલીસ સ્ટેશને મોકલવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી સલીમ અબ્દુરહીમ ચૌહાણના વકીલ તરીકે વિજયકુમાર સી. માવધીયા એડવોકેટ તથા જુનેદ આઈ. સેલત, એડવોકેટ તથા ઈન્દુજીત પી. રાઠોડ એડવોકેટ તથા હીનાબેન આર. મોરધાણી એડવોકેટ વેરાવળના રોકાયેલ હતાં.

error: Content is protected !!