પૂજ્ય ગાંધીજીના સંદેશને આત્મસાત કરીએ, તેમના વિચારોને જનમાનસ સુધી પહોંચાડીએ એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ : શ્રી આચાર્ય દેવવ્રતજી

0

ગાંધી નિર્વાણ દિવસે કોચરબ આશ્રમના પ્રાંગણમાં ગાંધી પદયાત્રાનું સમાપન અને આંતરરાષ્ટ્રીય વિડિયો સ્પીચ સ્પર્ધાનો શુભારંભ : સર્વધર્મ પ્રાર્થનાઓ યંત્રવત્‌ ગાઈ નાખીએ એટલું પૂરતું નથી, આ પ્રાર્થનાના એકેએક શબ્દો આપણા જીવનનો હિસ્સો બને એટલી સજાગતા કેળવીએ

ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધી નિર્વાણ દિવસે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, પૂજ્ય બાપુના વિચારો સાર્વભૌમિક અને સાર્વકાલિક છે. આજનો દિવસ તેમના વિચારોને આત્મસાત કરવાનો દિવસ છે. પૂજ્ય બાપુના વિચારો આ દુનિયા અપનાવે તો રશિયા અને યુક્રેનનું યુદ્ધ સંભવ નથી. ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ખૂન-ખરાબા ન થાય. આ વિશ્વ વિનાશકારી બોમ્બ-બારૂદના ઢગ ઉપર ન બેઠું હોત. આવો, આપણે સૌ પૂજ્ય બાપુના સંદેશને આત્મસાત કરીએ અને તેમના વિચારોને જનમાનસ સુધી પહોંચાડીએ. ગાંધી નિર્વાણ દિવસે આ જ સાચી શ્રદ્ધાંજલિ હશે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અમદાવાદમાં વિદ્યાપીઠથી કોચરબ આશ્રમ સુધી વિદ્યાર્થીઓની પદયાત્રા યોજાઈ હતી. પૂજ્ય ગાંધીજીની સ્મૃતિમાં કોચરબ આશ્રમના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ સમૂહમાં રેંટિયાકાંતણ કર્યું હતું. ગાંધી નિર્વાણ દિવસે ગાંધીયન સોસાયટી, અમેરિકા દ્વારા આંતરરાષ્ટ્રીય વિડીયો સ્પીચ પ્રતિયોગીતાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આચાર્ય દેવવ્રતજીએ આ પ્રતિયોગિતાને ખુલ્લી મુકતાં કહ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી ૧૫૦ દેશોના યુવાનો પૂજ્ય ગાંધીજીના વિચારો સાથે જાેડાશે અને વૈશ્વિક મંચ પર પૂજ્ય ગાંધીજીના વિચારો રજૂ કરશે. આ સ્પર્ધાથી વિશ્વના યુવાનો – ભાવિ પેઢી પૂજ્ય ગાંધીજીના મૂલ્યોથી માહિતી માહિતગાર થશે. સીમા અને સંસ્કૃતિઓથી ઉપર આ ડિજિટલ સંવાદ યુવાનો માટે રસપ્રદ બનશે. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર, પ્રણીધાન અને નિયમ આ મહાવ્રતોને, ભારતીય જીવનદર્શનના આ મૂળ સિદ્ધાંતોને પૂજ્ય ગાંધીજીએ જનઆંદોલન બનાવી દીધા. આ વિચારોથી વિશ્વશાંતિ અને વિશ્વકલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો. તેમના આ સિદ્ધાંતો ટકાઉ અને શાશ્વત છે. પ્રકાશ સ્વરૂપ છે. માત્ર ખાદી પહેરવાથી કંઈ નહીં વળે, પૂજ્ય બાપુના ચિંતનને અંતરથી અપનાવવા પડશે. ‘રામ રાજ્ય’ શબ્દ પૂજ્ય બાપુએ પ્રયોજ્યો હતો. ભગવાન રામનું ચારિત્ર, એમનું જીવન સૌ કોઈ માટે આદર્શ છે. પૂજ્ય બાપુ ભૌતિક વિકાસની સાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ દ્રઢપણે કટિબદ્ધ હતા. એટલે જ એમણે ‘રામરાજ્ય’ની કલ્પના કરી હતી. એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીને ગમતી સર્વધર્મ પ્રાર્થનાઓ આપણે યંત્રવત્‌ ગાઈ નાખીએ એટલું પૂરતું નથી, આ પ્રાર્થનાઓના એકેએક શબ્દો આપણા જીવનનો હિસ્સો બને એટલી સજાગતા કેળવવી જાેઈએ. સ્વરાજ્ય પછી સુરાજ્ય બને અને રામરાજ્ય સ્થપાય એ માટે કર્તવ્યનિષ્ઠાથી આપણું યોગદાન આપીએ. આ અવસરે ગાંધીયન સોસાયટી, અમેરિકાના સચિવ મહેશ વાણીએ આંતરરાષ્ટ્રીય વિડિયો સ્પીચ પ્રતિયોગિતા વિશે વિગતવાર માહિતી આપી હતી. ગુજરાત વિદ્યાપીઠના કાર્યકારી કુલપતિ ડો. ભરતભાઈ જાેશીએ સ્વાગત ઉદબોધનમાં કહ્યું હતું કે, ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮એ એક અદભુત ચેતનાએ શરીર છોડ્યું હતું, પરંતુ એ ચેતના આજે પણ આપણામાં સમાયેલી છે. આજે પણ આપણે સહઅસ્તિત્વની અનુભૂતિ કરી રહ્યા છીએ. આ અવસરે પૂર્વ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી ડો. હર્ષદભાઈ પટેલ, ગાંધી કિંગ ફાઉન્ડેશન, શિકાગોના સંસ્થાપક ડો. શ્રીરામ સોન્ટી, સંયોજક ડો. અરૂણ ગાંધી, ગુજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીઓ, મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!