જૂનાગઢ શહેરમાં જલ પ્રલયની બનેલી ઘટના અને ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આંખ આડા કાન કરી પ્રજા વિકાસના કોઈ કામોમાં કંઈ ઉકાળી ન શકનાર કમિશ્નરને બદલાવાયા
જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર રાજેશ તન્નાની આખરે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને જૂનાગઢના કમિશ્નર તરીકે ડો. ઓમપ્રકાશને મુકવામાં આવ્યા છે. પોતાના સમયકાળ દરમ્યાન કમિશ્નર તરીકે જે કામો ન્યાયપુર્ણ કરવા જાેઈએ તેવા કોઈ કામોમાં કંઈ ઉકાળી ન શકનાર કમિશ્નર રાજેશ તન્નાની બદલી થઈ છે ત્યારે જનતાએ હાંશકારો અનુભવ્યો છે. ઉપરાંત જૂનાગઢના કમિશ્નર તરીકે નવા નિમાયેલા ડો. ઓમપ્રકાશ પાસે અનેક અપેક્ષાઓ રાખવામાં આવી છે.
જૂનાગઢ શહેરના કમિશ્નર પદે નિમણુંક પામેલા રાજેશ તન્નાએ પોતાના સમગ્ર કાર્યકાળ દરમ્યાન આમ જનતાની ફરિયાદ હોય કે અન્ય કોઈપ્રશ્ન હોય કયારેય યોગ્ય રીતે કામગીરી કરી નથી અને જનતામાંથી તેમના વિરૂધ્ધ અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ ખાતે જુન માસમાં બનેલી જળહોનારતની ઘટના બાદ ભરી સભામાં કમિશ્નરને જૂનાગઢ શહેરના વોકળા ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ અને સુચન પણ આપ્યું હતું પરંતુ આ કમિશ્નરે તેને સામે પણ કોઈકાર્યવાહી કરી નથી. વોકળા દબાણમાં છેક સુધી આંખ આડા કાન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં ખાસ કરીને જયાં જયાં વોકળા આવેલા છે ત્યાં મોટા માથા અથવા રાજકીય વગધારીઓએ પોતાના બિલ્ડીંગો ખડકી દીધા છે અને આમ જનતાનો સતત આક્રોશ આવા ગેરકાયદેસર બાંધકામો સામે રહ્યો હોવા છતાં તેમજ આવા દબાણો દુર કરવાની ઉચ્ચકક્ષાએથી ફરમાન આવ્યા છતાં પણ મનપાના કમિશ્નર એવા રાજેશ તન્નાએ પોતાની સત્તા અને પાવરનો કોઈ જાતનો ઉપયોગ ન કર્યો અને ગેરકાયદેસર બાંધકામો કરનારાઓને જાણે છાવરી રહ્યા હોય તેવો સિનાર્યો ઉભો થય હતો. એકંદરે જાેતા કમિશ્નર તરીકે રાજેશ તન્નાનો કાર્યકાળ નાલેશી ભર્યો રહ્યો છે. જૂનાગઢમાં વોકળા કાંઠે થયેલા દબાણો ન હટાવવાના કારણે શહેરના નિર્દોષ નાગરિકોને પુરના પ્રકોપનો સામનો કરવો પડયો હતો અને ભારે આર્થિક નુકસાન વેઠવું પડયું હતું. માત્ર નોટિસો જ આપીને કોઈપણ પ્રકારની કામગીરી ન કરનારા કમિશ્નર રાજેશ તન્નાને આખરે બદલાવી નાખવામાં આવેલ છે અને તેઓની સુરેન્દ્રનગર ડીડીઓ તરીકે બદલી થઈ છે જયારે જૂનાગઢના નવનિયુકત કમિશ્નર તરીકે ર૦૧૬ની બેચના આઈએએસ ડો. ઓમપ્રકાશની નિમણુંક કરવામાં આવી છે અને જૂનાગઢ કમિશ્નર પદનો તાજ પહેરનાર આ અધિકારી પાસે લોકોની અનેક અપેક્ષા રહેશે તેમ મનાઈ છે.
જૂનાગઢના નવા ડીડીઓ તરીકે નિતીન સાંગવાનની નિમણુંક
રાજય સરકારે ગઈકાલે મોડી રાત્રે પ૦ આઈએએસ અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા છે ત્યારે જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખની બદલી કરવામાં આવી છે અને તેઓને અમદાવાદ ડીએમસી તરીકે મુકવામાં આવ્યા છે. જયારે જૂનાગઢના નવા ડીડીઓ તરીકે અમદાવાદ ખાતે ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવતા નીતિન સાંગવાનને મુકવામાં આવ્યા છે.