પુર્વ કમિશ્નર દ્વારા રૂા.૪૯.૬૦ કરોડના વેરા વધારામાંથી ૩૮ કરોડનો વધારો રદ કરાયો : વિકાસના દિવા સપના સાથે આનંદપુર ગામ પાસે ૭૦ કરોડના ખર્ચે ડેમ બનાવવાના કામને પણ અગ્રતા
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની ગઈકાલે બજેટ બેઠક મળી હતી અને પુર્વ કમિશ્નર દ્વારા મુકાયેલા બજેટમાં સુધારા-વધારા કરી અને ૩૮ કરોડનો વધારો રદ કરતું બજેટ મેયરને સુપ્રત કરવામાં આવેલ છે અને બજેટની ફાઈનલ મંજુરી માટે આગામી જનરલ બોર્ડમાં રજુ કરવામાં આવશે. મનપાની સ્થાયી સમિતી દ્વારા રજુ થયેલા સુધારા-વધારા બજેટમાં અનેક બાબતો સામે આવી છે. ખાસ કરીને ચૂંટણીલક્ષી ગણવામાં આવી રહેલ છે. આગામી લોકસભાની ચૂંટણી માથે ગાજી રહી છે અને ત્યારબાદ નજીકના સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોય મતદારોને આકર્ષવાના કિમીયારૂપ આ બજેટ હથેળીમાં ચાંદ બતાવવા સમું રજુ થયું હોવાની ચર્ચા ઉઠવા પામી છે. જાેકે, આ બજેટ મતદારોને કેટલું આકર્ષી શકશે તે તો આગામી સમય જ કહેશે. દરમ્યાન ગઈકાલે સ્થાયી સમિતીની બેઠકમાં ચેરમેન હરેશ પરસાણા દ્વારા રજુ કરવામાં આવેલા બજેટ અંગેની વિગતો અત્રે પ્રસ્તુત છે. જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે સ્થાયી સમિતીની બજેટ અંગેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પૂર્વ કમિશ્નરે વેરામાં કરાયેલા ૪૯.૬૦ કરોડના વેરામાંથી ૩૮ કરોડના વેરા વધારને રદ કરી નાંખ્યો હતો. બાદમાં આ બજેટ મેયરને સુપ્રત કરાયું છે. હવે ફાઇનલ મંજૂરી માટે બજેટને જનરલ બોર્ડમાં રજૂ કરાશે. આ અંગે સ્થાયી સમિતી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે, પૂર્વ કમિશ્નરને વેરો વધારો સૂચવ્યો હતો, પરંતુ તેમાં ભારે વિસંગતતા હતી માટે ૪૯.૬૦ કરોડમાંથી ૩૮ કરોડના વેરા વધારાને સ્થાયી સમિતીએ ફગાવી દીધો છે. સાથે વિવિધ યોજનાઓ અંગે જણાવ્યું હતું કે, ઓઝત નદી ઉપર આણંદપુર ગામ પાસે ૭૦ કરોડના ખર્ચે ડેમ બનાવાશે, સોલાર રૂફ ટોપ ફિટ કરનારને ઘરવેરામાં ૨૦ ટકાની રાહત અપાશે. મનપાની મિલકતોમાં પણ આગામી ૫ વર્ષમાં ૫૦ કરોડથી વધુના ખર્ચે ૧૧ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ પૂર્ણ કરાશે જેથી મહાનગરપાલિકાનું તમામ વિજબીલ શૂન્ય થઇ જશે. હસ્નાપુર ડેમ ખાતે મનપાને વાર્ષિક ૧૨.૬૫ કરોડનું પાવર બિલ આવે છે. માટે અહિં ૨૨૫ કરોડના ખર્ચે સોલાર પાર્ક બનાવવાની યોજના છે. ૨૨૫ કરોડના ખર્ચે ફ્લોટીંગ સોલાર પાવર પ્રોજેક્ટ અમલી બનશે તો વિજક્ષેત્રે આર્ત્મનિભર બનવા સાથે અન્ય કંપનીઓને પણ પાવર વેંચી આવક રળી શકશે. જ્યારે ગ્રીન ઉર્જાને પ્રોત્સાહન આપવા જે નાગરિક ઇલેકટ્રીક ફોર વ્હિલ, થ્રી વ્હિલ કે ટુ વ્હિલ ખરીદશે તેને વ્હિકલ ચાર્જમાં ૫૦ ટકા રાહત અપાશે. હાઉસ ટેક્ષ ભરનારને ૧૦ ટકા અને ઓનલાઇન ભરનારને વધુ ૨ ટકા મળી ૧૨ ટકાની રાહત અપાશે. શહેરમાં જાેષીપરા, ખામધ્રોળ, દોલતપરા અને ઝાંઝરડામાં અર્બન હેલ્થ સેન્ટરો શરૂ કરાશે. સાથે ટીંબાવાડી અને ભવનાથમાં ડાયાલીસીસ સેન્ટરો શરૂ કરાશે. જ્યારે ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના આઘેડને ૧૮ પ્રકારના ટેસ્ટ ઘરબેઠા થઇ શકે તે માટેની શ્રવણકુમાર યોજના ચાલુ છે જેમાં અડધી રાત્રે પણ ફોનકરવાથી સારવાર મળી રહી છે. સફાઇ માટે ૫૦૦ વધુ કર્મીઓની ભરતી કરાશે જેથી સવારે ૬ થી ૨ અને સાંજના ૪ થી રાત્રિના ૧૨ સુધી સફાઇ થઇ શકશે.જૂના કચરાના નિકાલ માટે ૫ ટનની ક્ષમતા સાથેનો લેગેસી વેસ્ટ પ્લાન્ટ કાર્યરત કરાશે. કર ભરનાર દરેકને ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવા ૧૦-૧૦ લીટરના બે ડસ્ટબિન અપાશે. ડમ્પિંગ સાઇટ ઉપરથી સીએનડી વેસ્ટના નિકાલ માટે ૬૦ લાખના ખર્ચે મશીનરી ફિટ કરાઇ છે. મૃત પશુઓના નિકાલ માટે ઇલેકટ્રીક ભઠ્ઠી તૈયાર કરાઇ છે. શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા ૫ સ્થળે થેલા એટીએમ ઉભા કરાશે જ્યાં ૧૦ રૂપિયામાં કાપડની થેલીઓ મળશેે. ઇવનગર, ભવનાથ, સાબલપુર અને ઝાંઝરડામાં ૧૬ કરોડના ખર્ચે નવા ફાયર સ્ટેશન બનાવાશેે. શહેરને રેલવે ફાટક લેસ કરવા જાેષીપરામાં ૫૩.૪૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવાશે. ૨૫ નવી ઇલેકટ્રીક બસ મળતા શહેરના ૧૨ રૂટો ઉપર સીટી બસ સેવા શરૂ કરાશે. ૧૮ કરોડના ખર્ચે વાઘેશ્વરી તળાવ અને ૨૦ કરોડના ખર્ચે વિલીંગ્ડન ડેમનો વિકાસ કરાશે. તેમજ ભવનાથ જિલ્લા પંચાયતના મેદાનમાં પાસે ભોળાનાથની પ્રતિમા મૂકાશે, બેસવા માટે બાકડા મૂકાશે. દામોદર કુંડથી પ્રવાસન ગેઇટ સુધીના રોડને સાંસ્કૃતિક અનેઆધ્યાત્મિકતાની દ્રષ્ટિકોણથી વિકસાવી સનાતન પથ બનાવાશે જ્યાં બેસવા, પીવાના પાણીની, ફૂડઝોનની સુવિધા સાથે સેલ્ફી પોઇન્ટ બનાવાશે. ૪ જગ્યાએ યોગ સ્ટુડિયો બનાવાશે. વરસાદી પાણીના બોરમાં સંગ્રહ માટે ૨ કરોડના ખર્ચે કામગીરી કરાઇ રહી છે. ટીપી રિઝર્વ પ્લોટમાં ૧૨.૬૫ કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ અને સ્વામિ વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે ૫ કરોડના ખર્ચે નવું સ્પોર્ટસ કોપ્લેક્સ બનશે. શહેરી ૧૫૭ ફેરિયાઓ માટે ૨ કરોડના ખર્ચે મધુરમ સિટીમોલ પાછળ હોકર્સ ઝોન બનશેે. સ્માર્ટ આંગણવાડી માટે ૪ કરોડ, ઝોનલ ઓફિસોના અપગ્રેડ માટે ૬ કરોડ, સોનાપુરી સ્મશાન ખાતે ૨ નવી વિદ્યુત ભઠ્ઠી માટે ૨.૬૩ કરોડ ખર્ચાશે. નવી ગૌશાળા માટે ૬ કરોડ ફાળવાશે. હેરીટેઇઝ બિલ્ડીંગ તરીકે નરસિંહ વિદ્યામંદિરના રિનોવેશન માટે ૧૪ કરોડ, સીસીટીવી લગાવવા ૨ કરોડ ફાળવાશે. ૬ કરોડના ખર્ચે મનપાની કચેરીઓની કામગીરી ઓનલાઇન કરાશે. વધુમાં જૂનાગઢના પૂર્વ કમિશનરે રજૂ કરેલ બજેટમાં સ્ટેન્ડીંગ કમિટીએ સુધારા વધારા કર્યા હતા. ખાસ કરીને ૩૮ કરોડના વેરા વધારાને સ્ટેન્ડીંગ કમિટીએ રદ્દ કર્યો છે. બાદમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને આ બજેટને જનરલ બોર્ડમાં મંજૂરી અર્થે મેેયરને સોંપ્યુ હતુ ત્યારે જાણે સ્ટેન્ડીંગ ચેરમેને આપેલા બજેટને મેયર ગીતાબેન પરમારે આંખો વિચીને સ્વીકારી લીધુ હોય તેમ લાગી રહ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૮-૧૯નું મહાનગરપાલિકાનું અંદાજપત્ર રજૂ થયું હતું જેમાં દર્શાવેલા કામો હજુ બાકી છે જે દર વર્ષે બજેટમાં વણી લેવાય છે. વર્ષ૨૦૧૮-૧૯ના બજેટમાં જણાવાયું હતું કે, જાેષીપરામાં રેલવે ઓવરબ્રિજ બનાવાશે. વોર્ડ નંબર ૧૪માં નવો ટાઉન હોલ અને કોમ્યુનીટી હોલ બનાવાશે. ઝાંઝરડામાં નવું સ્માશનગૃહ બનાવાશે. દાતાર તળાવ, વાઘેશ્વરી તળાવ, સુદર્શન તળાવને ડેવલોપ કરાશે. મંગલધામ ૧, ૨ અને ૩ને જાેડતો પુલ બનશે. સમગ્ર શહેરમાં પીવાના પાણીની લાઇન પહોંચાડાશે. ચિલ્ડ્રન પાર્ક બનાવાશે. સૂકો અને ભીનો કચરો અલગ રાખવા કરદાતાઓને ખાસ પ્રકારની ડસ્ટબિન ફાળવાશે. ભવનાથમાં યાત્રિક ભવન બનશે(જ્યાં હાલ પેશકદમી થઇ ગઇહોવાનું ચર્ચાઇ રહ્યું છે), જાેષીપરા અન્ડરબ્રિજથી ખલીલપુર સુધી નવી ગટર બનશે. ટુરિસ્ટ સ્પેસ ડેવલોપ કરાશે. પાર્કિંગ ડેવલોપમેન્ટ સ્કીમ ઉભી કરાશે. ઓફિસમાં પીએસઓ મશીન મૂકી તેમજ ફેસ રેકોગનાઇઝ મશીન દ્વારા મુખ્ય ઓફિસ, ઝોનલ ઓફિસ, ૨૦ વોર્ડમાં તેમજ હસ્નાપુર, આણંદપુર ડેમસાઇટ ઉપર નિયમીત હાજરી પુરાશેે. વિશેષમાં કમિશ્નરનું બજેટ ૯૬૭.૫૭ કરોડનું હતું જેમાં રેવન્યુ આવક ૨૫૩.૧૫ કરોડ, કેપીટલ આવક ૭૧૪.૩૯ કરોડ, રેવન્યુ ખર્ચ ૨૫૩.૨૩ કરોડ, કેપીટલ ખર્ચ ૭૧૪.૨૪ કરોડ અને પુરાંત ૯ લાખની હતી. સ્ટેન્ડીંગ કમિટીનું બજેેટ ૯૩૭.૦૭ કરોડનું છે જેમાં રેવન્યુ આવક ૨૨૨.૬૫ કરોડ, કેપીટલ આવક ૭૧૪.૩૯ કરોડ, રેવન્યુ ખર્ચ ૨૨૨.૭૯ કરોડ, કેપીટલ ખર્ચ ૭૧૪.૨૪ કરોડ અને પુરાંત ૩ લાખની રહેેશે.