જૂનાગઢમાં વાંધાજનક ભાષણ પ્રકરણમાં મુંબઈના મુફતી સલમાન અઝહરીને કોર્ટમાં મળ્યા શરતી જામીન

0

સામખીયાળીના એક કેસમાં કચ્છ પોલીસ આજે રાજકોટ જેલથી કબ્જાે લેશે

જૂનાગઢમાં નશામુકિતના નામે યોજાયેલા કાર્યક્રમમાં વાંધાજનક ભાષણ કરવા સબબ મુંબઈના મુફતી સલમાન અઝહરીની ગુજરાત એટીએસએ મુંબઈથી અટકાયત કરીને જૂનાગઢ પોલીસને હવાલે કર્યા હતા. ત્યારે મુફતી સલમાન અઝહરી સામેના દર્જ થયેલા કેસમાં મુફતી સલમાન અઝહરીના ગઈકાલે ર૦ કલાકના રિમાન્ડ પુરા થતા તેઓને પોલીસે નામદાર કોર્ટમાં રજુ કરતા કોર્ટે મુફતી સલમાન અઝહરીસહિત ત્રણ આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે. મુફતી સલમાન અઝહરીને હાલ સિકયુરીટી રીઝન રાજકોટ જેલ લઈ જવાયા છે. ત્યાંથી કચ્છ પોલીસ મુફતીનો આવા જ સામખિયાળીના એક કેસમાં રાજકોટથી કબજાે લેશે. જૂનાગઢમાં વાંધાજનક ભાષણ મામલે વકતા મુફતી સલમાન અઝહરી તેમજ આયોજકો મહમદ યુસુફ મલેક તેમજ અઝીમ હબીબ ઓડેદરાની ધરપકડ બાદ મંગળવારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે ચીફ કોર્ટમાં રજુ કર્યા હતા. ત્યારે કોર્ટે ત્રણેય આરોપીના તા.૭ ફેબ્રુઆરી બપોરના ૪ વાગ્યા સુધીના રિમાન્ડ પર સોંપ્યા હતા. જે ત્રણેય આરોપીના રિમાન્ડ દરમ્યાન બંને આયોજકોના મોબાઈલ રીકવર કર્યા હતા. તેમજ અન્ય તપાસ કરી હતી. ત્યારે ગઈકાલે બપોરે રિમાન્ડ પુર્ણ થતા પોલીસે બપોરે ૩ઃ૩૦ કલાકે મુફતી સલમાન અઝહરી સહિત ત્રણેય આરોપીને ચીફ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. ત્યારે પોલીસની રિમાન્ડની માંગ ન હતી જેથી બચાવ પક્ષના વકીલો દ્વારા ત્રણેય આરોપીના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જેની સામે પોલીસ દ્વારા આરોપી મુફતી સલમાન અઝહરી જામીન ના મળે તે માટે ૧ર મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. ત્યારે ચીફ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને સાંજે ૬ઃ૩૦ કલાકે ત્રણેય આરોપીને ૧પ-૧પ હજારના શરતી જામીન આપ્યા હતા. જે શરતી જામીન એવા છે કે, ફરિયાદીને ધાક-ધમકી ના આપવી, તેમજ પુરાવાનો નાશ ન કરવો, પાસપોર્ટ રજુ કરવો અને પાસપોર્ટ ના હોય તો તેનું એફીડેવીટ રજુ કરવા શરતો મુકી છે. મુફતી સલમાન અઝહરી સહિત ત્રણેય આરોપીના જામીન મંજુર થતા કાર્યક્રમના બંને આયોજકોને જૂનાગઢ જેલમાં એન્ટ્રી કરાવવા લઈ જવાયા હતા અને મુફતી સલમાન અઝહરીને રાજકોટ જેલમાં લઈ જવાયા છે. આરોપીની કસ્ટડી જેલની કહેવાય જેથી જામીન મળ્યે તેને પહેલા જેલમાં એન્ટ્રી કરવાની હોય છે ત્યાર બાદ કોર્ટના આદેશથી તેને મુકત કરવામાં આવે છે. ત્યારે મુફતીને સિકયુરીટી કારણોસર પોલીસે અગાઉથી જૂનાગઢ જેલના બદલે રાજકોટમાં ટ્રાન્સફર કરવાની અરજી મુકી હતી. જે અરજી કોર્ટે મંજુર રાખતા મોડી સાંજે જૂનાગઢ પોલીસ મુફતી સલમાન અઝહરીને લઈને રાજકોટ જેલ લઈ જવા રવાના થયેલ હતી અને ત્યારે બીજી તરફ જૂનાગઢમાં જે રીતે વાંધાજનક ભાષણ મામલે મુફતી સલમાન અઝહરી સામે ગુનો નોંધાયો છે તેવો જ ગુનો કચ્છના સામખીયાળીમાં પણ સભામાં વાંધાજનક ભાષણ મામલે નોંધાયેલો હોય તે કેસમાં કચ્છ પોલીસ મુફતી સલમાન અઝહરીનો રાજકોટ જેલથી કબજાે લેવા જૂનાગઢથી રાજકોટ નીકળી ગયેલ છે.
રિમાન્ડ દરમ્યાન ટ્રસ્ટ સિવાય અન્ય ૪ બેંક એકાઉન્ટ સામે આવ્યા
તપાસનીશ પોલીસે કોર્ટ સમક્ષ અમુક એવી હકિકત મુકી છે જેમાં એવું કહ્યું છે કે, મુફતીના અલ-અમન એજયુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં ર૦ર૩ના વર્ષમાં પર.૧૧ લાખ જેવી માતબર રકમ જમા થયેલ છે જે રકમ કોના દ્વારા જમા કરાવવામાં આવી હતી. તેમજ આ ટ્રસ્ટના મેળવેલા બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટનો અભ્યાસ કરતા આરોપી દ્વારા સેલ્ફમાં ર૭.૭પ લાખ રોકડા જાતેથી ઉપાડેલ છે જે રૂપીયાનો તેણે શું ઉપયોગ કરેલ છે જેની તપાસ હાલ ચાલું છે. જેથી આ રૂપીયા જાે ગેરકાનુની કામમાં વપારેલ હોવાની માહિતી મળી આવે તો આરોપીની પુછપરછ કરવા હાજરી જરૂરી છે. સાથે તે ટ્રસ્ટનું વધુ એક એકાઉન્ટ સહિત આરોપી તથા તેના પરિવારના નામના કુલ ૪ એકાઉન્ટ હોવાનું ખુલવા પામ્યું છે. જે તમામ એકાઉન્ટની ડીટેઈલ મેળવવા તજવીજ ચાલુ છે. અલ-અઝીમ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢના નેજા હેઠળ સભાનું આયોજન કરેલ હતું. જે ટ્રસ્ટ અંગે પુછપરછમાં મળેલ હકિકત મુજબ ટ્રસ્ટ રજીસ્ટર થયેલ નથી. તેમજ આ કામે ચેરીટી કમિશ્નર જૂનાગઢ પાસેથી માહિતી મંગાવવામાં આવેલ છે જે ટ્રસ્ટ રજીસ્ટર થયેલ ન હોય તો આરોપીનું પુછપરછ કરાશે.
સભા માટે નરસિંહ વિદ્યા મંદિર શાળાની જ મંજુરી ના હતી
જે સ્થળે નશામુકિતના નામે સભાનું આયોજન થયું હતું તે નરસિંહ વિદ્યા મંદિર શાળાના પ્રિન્સીપાલ શોભનાબેન રૂપાપરાએ જીલ્લા પોલીસવડાને પત્ર પાઠવીને જાણ કરી છે કે, શાળાના મેદાનમાં એક ધાર્મિક સભા યોજાયેલ હોય તેવું સોશ્યલ મિડીયાના માધ્યમથી જાણવા મળ્યું છે. આ મેદાનની મંજુરી શાળા તરફથી આપવામાં આવેલ નથી. ત્યારે પોલીસે ગઈકાલે તપાસ દરમ્યાન મંજુરી માટે બોગસ ડોકયુમેન્ટ ઉભા કર્યા હોય તેવી શંકા જતા આ કેસમાં પોલીસે આઈપીસી કલમ ૪૪૭, ૪૬પ, ૪૭૧ની કલમોનો ઉમેરો કર્યો છે.

error: Content is protected !!