પૂ. જલારામબાપાના ધામ વીરપુરમાં ભારે રોષ : રાજુલા લોહાણા સમાજ દ્વારા આવેદનપત્ર : સાવરકુંડલામાં સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો યોજાયા
રઘુવંશી લોહાણા સમાજના ઈષ્ટદેવ તેમજ લાખો લોકોના પૂજય દેવ એવા સંત શિરોમણી પૂ. જલારામબાપા અંગે કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણએ કરેલા બફાટના કારણે ભારે રોષની લાગણી ઉઠવા પામી છે અને આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો ઠેર-ઠેર યોજવામાં આવી રહ્યા છે. આજે જૂનાગઢ ખાતે પણ લોહાણા યુવા સંગઠન તેમજ લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
લાખો-કરોડો ભાવિકોના પૂજય દેવ અને લોહાણા રઘુવંશી સમાજના ઈષ્ટદેવ પૂજય જલારામબાપા અંગે તાજેતરમાં કલોલના ભાજપના ધારાસભ્યમાં ફતેસિંહ ચૌહાણ દ્વારા બફાટ કરવામાં આવતા જેના ઘેરાપ્રત્યાઘાતો પડયા છે અને લોહાણા રઘુવંશી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાણી છે. પૂ. જલારામ બાપાના પથ ઉપર ચાલીને જયાં દાયકાઓથી અન્નક્ષેત્ર ચાલે છે જે એકમાત્ર સંસ્થા દાન પણ લેતી નથી તેવા વીરપુરમાં ભાવિકોમાં ધારાસભ્ય સામે તીવ્ર રોષ ફેલાયો હતો. પોતાના હાજરા હજુર આરાધ્ય દેવ અંગે એક સીનીયર નેતા ધારાસભ્યના બફાટથી રઘુવંશી સમાજમાં સૌરાષ્ટ્રભરમાં રોષ ફેલાયો છે અને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. રાજુલામાં મોટી સંખ્યમાં લોહાણા સમાજ એકત્ર થયો હતો અને જલારામ સેવા મંડળ તથા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જયારે સાવરકુંડલામાં પણ રઘુવંશી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં વિવિધ શહેરોમાં પણ રઘુવંશી લોહાણા સમાજના વિવિધ સંગઠનો દ્વારા સંબંધિત તંત્રોને આવેદનપત્ર પાઠવી અને પૂ. જલારામ બાપા વિરૂધ્ધ બફાટ કરનાર કલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ દરમ્યાન આજે જૂનાગઢમાં પણ શ્રી લોહાણા યુવા સંગઠન તેમજ લોહાણા સમાજના વિવિધ સંસ્થાઓ દ્વારા આજે બપોરે કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.